ગુજરાતનાં દરિયા કિનાર તરફ વાયુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર-તંત્ર કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સ્તરે સાબદું-સક્ષમ બની ગયું છે. વાયુ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લેતા રૂપાણી સરકાર દ્વારા લોકોના સ્થળાંતરથી માંડીને બચાવ કાર્ય, રાહત સામગ્રી, ફૂડપેકેટ્સ, મેડિકલ ટ્રીટમેન્ટ વગેરેનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું છે. સંરક્ષણની ત્રણેય પાંખને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જરૂર પડ્યે હવાઈ સેવા પણ લેવાની તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. વાયુ વાવાઝોડા મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યાજયેલી બેઠકમાં તેમણે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ મુલત્વી રાખવાનો અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં શાળાઓ-કોલેજોમાં રજા આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી તેમને પોતપોતાની ડ્યૂટી પર હાજર થવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની અસર પામનારા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આગોતરી તકેદારીના પગલાંરૂપે રૂપાણી સરકાર દ્વારા ૭૦૦થી વધુ જગ્યાએ સલામત સ્થળોની વ્યવસ્થા કરાઈ છે. મુખ્યમંત્રીએ સ્થાનિક તંત્રને શાળાની ઈમારતોમાં લોકોને ખસેડવા આદેશ કર્યો છે તેમજ આરોગ્ય, પાણી પુરવઠો, વીજ પુરવઠો, બાંધકામ વિભાગને જરૂરી સૂચનો આપ્યા છે. વાયુ વાવાઝોડાથી કોઈપણ પ્રકારની જાનહાની ન સર્જાય કે સરકારી-ખાનગી મિલ્કતોને નુકશાન ન પહુચે તેવી વ્યવસ્થા રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આટલું જ નહીં સંભવિત વાયુ વાવાઝોડાની અસર પામનારા સૌરાષ્ટ્ર વિસ્તારના હવાઈમથકો તેમજ દરિયાકાંઠા વિસ્તારના રેલવે સ્ટેશન અને પોર્ટસ પર યાતાયાત તકેદારીના પગલાંરૂપે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ SDRFની 10, આર્મીની 10 ટીમ અને કચ્છમાં BSFની 2 ટીમ બચાવ કાર્ય માટે તૈનાત છે. આ સિવાય આર્મીની 23 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.
જ્યાં સુધી વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી હેડક્વાર્ટર ખાતે બેસશે અને વાવાઝોડાની તમામ નાની-મોટી બાબતો પર દેખરેખ રાખી લાગતા-વળગતા તંત્ર-વિભાગને જરૂરી નિર્ણયો લઈ સૂચના આપશે તથા તેમનાં પ્રધાનો સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં પ્રજાની પડખે જઈ તમામ પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખશે. જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા વેરાવળ, જયેશ રાદડીયા જૂનાગઢ, સૌરભ પટેલ રાજકોટ ખાતે હાજર રહેશે. અલબત્ત ભાજપ દ્વારા આ અંગે કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.
ગુજરાત કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ સામે પણ બાથ ભીડવા સક્ષમ છે, લોકોની સલામતિ-સુરક્ષા પ્રાથમિકતા છે એવું રૂપાણી સરકારે વાયુ જેવાં વિનાશક વાવાઝોડાનો આયોજનબદ્ધ સામનો કરીને સાબિત કરી આપ્યું છે. વાયુ વાવાઝોડાનો સામનો કરવા માટે રૂપાણી સરકારે લાખો લોકોનાં ફોન પર વાવાઝોડાની માહિતી આપતા સંદેશા મોકલી સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવ્યું છે ઉપરાંત રૂપાણી સરકાર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડાની દરેક નાની-મોટી ખબર રાખી સરકારી અધિકારી અને સેનાનાં જવાનો દ્વારા જરૂરી તમામ સહાયતા પૂરી પાડી ગુજરાતને સુરક્ષા-સલામતિ પ્રદાન કરી છે. કુદરતી હોય કે કૃત્રિમ આપત્તિ.
ગુજરાત હવે કોઈપણ પ્રકારની આપત્તિનો સામનો કરવા સક્ષમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત મજબૂતાઈથી દરેક સંકટનો સામનો કરવા શક્તિશાળી અને સક્ષમ છે.