વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચમાં સદી ફટકારીને ફરી ફોર્મમાં આવેલો શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની એ મેચમાં થયેલી ઇજાને કારણે ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર થયો છે.. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેના અંગુઠામાં નાથન કુલ્ટર નાઇલનો એક બોલ વાગ્યો હતો અને તેના કારણે તેના એ અંગુઠામાં ફ્રેકચર થયું હોવાનું આજે સ્કેનમાં જણાયું છે.
અંગુઠાની આ ઇજાને કારણે ધવન ત્રણ અઠવાડિયા સુધી રમી નહીં શકે અને તેના કારણે 13મી જૂને ન્યુઝીલેન્ડ અને 16મી જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચ પહેલા ટીમ ઇન્ડિયાને આ એક મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ રમી નહીં શકે. ત્રણ અઠવાડિયા સુધી તે ક્રિકેટથી દૂર રહેશે તેનો મતલબ એ થાય છે કે તે લીગ મેચ દરમિયાન હવે કદાચ મોટાભાગની મેચ નહી રમી શકે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેને ઇજા થઇ તે પછી પણ તેણે રમવાનું ચાલું રાખીને 117 રનની શતકીય ઇનિંગ રમી હતી. તે પછી ધવન ફિલ્ડીંગ માટે ઉતર્યો નહોતો. તેના અંગુઠામાં ફ્રેક્ચર થયું હોવાનું અહીં એક સ્કેનમાં જણાયું છે. હવે તેના સ્થાને કેએલ રાહુલ ભારતીય ટીમમાં રોહિત સાથે દાવની શરૂઆત કરવા ઉતરી શકે છે.