સાયક્લોન વાયુ બની રહ્યું છે ખતરનાક, મુંબઈ નજીકથી થશે પસાર, 13મીએ ગુજરાત પહોંચશે

અરબી સમુદ્રમાં હવાના ઓછા દબાણની સ્થિતિ ગંભીર બન્યા બાદ સર્જાયેલા ચક્રવાતી તોફાન વાયુ હાલ મહારાષ્ટ્ર અને ઉત્તરમાં ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાએ મંગળવારે જારી કરેલા બૂલેટીન અનુસાર હવાનું દબાણ ઓછું થતાં સર્જાયેલા સાયક્લોન વાયુ 13મી જૂને ગુજરાતના કાંઠા વિસ્તારો જેવાં કે પોરબંદર અને કચ્છ તથા વેરાવળ તરફ ગતિ કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરવાની શક્યતા દર્શાવી જણાવ્યું કે વાયુ સીધી રીતે 13મી જૂને સવારે ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારો પોરબંદરના પહુવા, વેરાવળ અને દિવને અસર કરી શકે છે. તે સમયે પવનની ગતિ 115થી 130 કિ.મી પ્રતિ કલાક રહેશે. આજે સાંજે વાયુ મુંબઈ નજીકથી પસાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાયુના કારણ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં 13 અને 14મી જૂને ભારે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ઝડપ 110 કિ.મી રહી શકે છે. વાયુના કારણે ગુજરાત સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. માછીમારોને દરિયામાં નહીં જવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ બંદરો પર ખતરાના સિગ્નલ મૂકી દેવામાં આવ્યા છે. આજે પણ મુંબઈમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. મુંબઈમાં પણ બે દિવસ સુધી વરસાદ પડી શકે તેવી સંભાવના છે.