વાયુ વાવાઝોડાની ખાનાખરાબીથી આ ટેક્નિક બચાવી શકે છે ગુજરાતને, જાણો શું છે એક્શન પ્લાન

ઓડિસામાં ગયા મહિને આવેલા ફેની વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. હવે ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. અરબી સમુદ્રમાં જન્મેલા ચક્રવાતી તોફાન મહારાષ્ટ્રથી ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે 13મી જૂને વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારને અસર કરી શકે છે. બીજી તરફ ગુજરાતનું વહીવટી તંત્ર અને સરકાર ઓડિશા દ્વારા અપનાવાયેલી ટેક્નિક અંગે જાણકારી હાંસલ કરી રહ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ સ્થિતિની સમીક્ષા કરી હતી.
IMD દ્વારા જણાવ્યા પ્રમાણે 13મી જૂને સવારે ચક્રવાતી તોફાન વાયુ પોરબંદર, મહુવા, વેરાવળ અને દિવને અસર કરી શકે છે. તે સમયે પવનની ઝડપ 110થી 130ની વચ્ચે હોવાની શક્યતા છે. જ્યારે ઉત્તરી મહારાષ્ટ્રમાં 70 કિ.મી.ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. હાલ વાયુ વેરાવળથી 650 કિ.મી દુર સ્થિત છે. રૂપાણીએ કહ્યું કે ઓડિશામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે અપનાવેલી ટેક્નિકનો અમલ કરવા ગુજરાત સરકાર ઓડિશા સરકારના સંપર્કમાં છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે તમામની રજા રદ્દ કરી દેવામાં આવી છે. સેના, એનડીઆરએફની ટીમો તથા અન્ય એજન્સીઓને તૈનાત કરી દેવામાં આવી છે. બુધવારથી કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ સુનૈના તોમરે જણાવ્યું કે તમામ બંદરો પર ડિઝાસ્ટર સિસ્ટમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે વાયુ વાવાઝોડાના કારણે ઉભી થનારી સ્થિતિની સમીક્ષા કરી હતી. અમિત શાહે વીજ, પાણી, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય સહિતની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વાવાઝોડાના કારણે આ સુવિધાને નુકશાન થાય તો યુદ્વના ધોરણે બહાલ કરવા માટે પણ તેમણે અધિકારીઓને આદેશ આપ્યા હતા.
ગુજરાત સરકારની વિનંતીના કારણે અન્ય 10 ટીમો તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય નૌ સેના, થલ સેના અને વાયુ સેનાને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હેલિકોપ્ટર અને વિમાન મારફત સાયક્લોન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.