વાયુને પગલે રાજકોટની શાળાઓમાં ગુરુવારે રજા, વેરાવળથી 740 કિ.મી દુર છે વાવાઝોડું

અરબી સમુદ્રમાં વાવાઝોડું ‘વાયુ’ 11 કિ. મી. ઝડપે આગળ વધી રહ્યું છે અને તેની દિશા સૌરાષ્ટ્ર તરફની છે. હાલ વાવાઝોડું વેરાવળથી દક્ષિણ 740 કી. મી. દૂર હતું. વેરાવળ – દીવ પંથકમાં આ વાવાઝોડું 13 જૂનની સવારે પ્રચંડ વાવાઝોડા (સિવિયર સાયકલોનિક સ્‍ટોર્મ) રૂપે પોરબંદર-મહુવા વચ્‍ચેથી 110 થી 120 કી.મી.ની ઝડપે પસાર થવાની પૂરી સંભાવના છે. આ સમયે 135 કિ.મી. ઝડપે તોફાની પવનો ફુંકાઇ શકે છે.

વાયુ વાવાઝોડું મહારાષ્‍ટ્ર-ગોવા-કર્ણાટકને આ વાવાઝોડું સીધી કોઇ અસર કરશે નહીં તેવી સંભાવના છે. જયારે ગુજરાતના કાંઠાના વિસ્‍તારોમાં 12 અને 13 જૂન એટલે કે આવતીકાલે બુધ અને ગુરૂવારે ખાસ ધ્‍યાન રાખવાની જરૂર છે. દરમિયાન ગઇ રાત સુધીના અહેવાલો મુજબ મોટાભાગના કેરળ અને આસપસાન વિસ્‍તારોમાં 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. પીરાવોમ ખાતે ૬ ઇંચ પડી ગયો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું નૈઋત્‍યના ચોમાસાને ધકકો મારી આગળ ધપાવે તેવા નિર્દેશ મળે છે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ  ગુરુવારે રાજકોટની તમામ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરી દીધી છે. લોકોને સલામત અને સતર્ક રહેવા માટે સૂચના આપવમાં આવી છે. સરકારે અગમચેતીના તમામ પગલાં લઇ એન.ડી.આર.એફ., એસ.ડી.આર.એફ.ની ટીમોને સતર્ક કરી કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક ધમધમાવ્યાં છે. માછીમારોને દરિયો ન ખેડવાની અને કાંઠાળા ગામોને સલામત સ્થળે ખસી જવાની તાકીદ કરવામાં આવી છે. તા.11 થી 14 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ ડિપ્રેશનમાં તબદીલ થઇ’ ડીપડિપ્રેશનમાં આવતાં જ 70 થી 80 કિ.મી.ની ઝડપે વાવાઝોડું અને તોફાની વરસાદની શકયતાઓ ઘેરાઇ રહી છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર એક નંબરના’ સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે.

વાવાઝોડાની શક્યતાના પગલે ગીર-સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે રાઉન્ડ ધી ક્લોક તાલુકા કંટ્રોલરૂમ કાર્યરત કરી નાયબ મામલતદારને હાજર રાખી જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવશે. પોરબંદર અને દ્ધારકા સહિતના દરિયાકાંઠાન કલેકટરોને મહેસૂલ વિભાગ દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 14 જુનના રોજ સૌરાષ્ટ્રમાં જામનગર, સોમનાથ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં નલીયાની આસપાસ ભારે વરસાદ પડશે. જેના પગલે તંત્રને એલર્ટ કરાયું છે. જ્યારે ઉત્ત્ર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે.

જામનગરના બેડી બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને પરત ફરવા જણાવી દેવાયું છે. વેરાવળની 47 બોટ અને તેના 225 માછીમારો હજુ પણ દરિયામાં હોય’ તેઓને તાકિદે બંદરે આવી જવા જણાવાયું છે. બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.