સાત દિવસ બાદ મળ્યો એરફોર્સના પ્લેન AN-32નો કાટમાળ

ભારતીય વાયુસેનાનાં લાપતા થયેલા AN-32 વિમાનનો કાટમાળ મળી ગયો છે. અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાંથી કાટમાળ મળી આવ્યો છે. દુર્ઘટના સમયે વિમાનમાં 13 લોકો સવાર હતા. ઈન્ડીયન એરફોર્સે અધિકારીક રીતે ટવિટર હેન્ડલ પર આ જાણકારી આપી હતી.
ઈન્ડીયન એરફોર્સે જણાવ્યું કે અરુણાચલ પ્રદેશના ટાટો વિસ્તારમાં ઉત્તર-પૂર્વમા લીપોથી 16 કિ.મી. દુર અંદાજે બાર હજાર ફૂટની ઉંચાઈએ લાપતા થયેલા AN-32 વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. હવે હેલિકોપ્ટર મારફત વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્રીજી જૂનથી વિમાન ગૂમ થઈ ગયું હતું. વિમાનને શોધવા માટે એરફોર્સ દ્વાર સતત અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
પાછલા સાત દિવસથી વિમાનને શોધવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્રીજી જૂને બપોરે આસામના જોરહટથી ચીન સાથેની બોર્ડર પાસેના મંચુકા ઉન્નત લેન્ડીંગ મેદાનથી ઉડાન ભર્યા બાદ વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં 13 લોકો સવાર હતા. વિમાન લાપતા બન્યા બાદ એરફોર્સ દ્વારા મેંચુકાની આસપાસ સર્ચ ઓપરેશન કર્યું હતું.
એરફોર્સે વિમાનની ભાળ આપનારને પાંચ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ ઉચ્ચ કક્ષાની મીટીંગ પણ કરી હતી સર્ચ ઓપરેશનની સમીક્ષા કરી હતી.