ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી યુવરાજસિંહે કરી રિટાયર થવાની જાહેરાત

ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. યુવરાજે પોતાની નિવૃત્તિની જાહેરાત અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેણે કહ્યું હતું કે બાળપણથી મે મારા પિતાના દેશ માટે રમવાના સ્વપ્નને પુરું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાની ક્રિકેટ કેરિયરને યાદ કરતાં કહ્યું હતું કે મારી 25 વર્ષની કેરિયરમાં ખાસ કરીને17 વર્ષની ઇન્ટરનેશનલ કેરિયરમાં ઘણાં ઉતાર ચઢાવ જોયા છે. હવે મે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ રમતે મને શિખવ્યું કે કેવી રીતે લડવાનું છે અને પડીને ફરી કેવી રીતે ઊભા થઇને આગળ વધવાનું છે.

બીસીસીઆઇ અને આઇસીસીએ યુવરાજની નિવૃત્તિને પગલે તે અંગે ટિ્વટ કર્યું હતું, જયારે આઇસીસીએ તો પોતાના ટિ્વટર હેન્ડલ પર યુવરાજના ફોટાને કવર ફોટો બનાવીને ચેમ્પિયન ખેલાડીને વખાણ્યો છે.

યુવરાજ સિંહ 2007ની વર્લ્ડ ટી-20 અને 2011ના વનડે વર્લ્ડ કપ એમ બે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહ્યો છે અને તેણે આ બંને વર્લ્ડ કપમાં પોતાની આગવી છાપ છોડી હતી. 2017 પછી ટીમમાં તેની પસંદગી થતી નહોતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 37 વર્ષિય યુવરાજ આઇસીસીની માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે પોતાની કેરિયર બનાવવા માગે છે, તેને કેનેડાની જીટી-20, આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી-20 સ્લેમમાં રમવાની ઓફરો મળી છે.

આ સ્ટાઇલિશ ડાબોડી બેટ્સમેન અંતિમવાર ફેબ્રુઆરી 2017માં ઇંગ્લેન્ડ સામે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફી 2017 અને તે પછી વેસ્ટઇન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં તે સામેલ હતો. તેણે પોતાની કેરિયરની છેલ્લી વનડે 30 જાન્યુઆરી 2017માં વેસ્ટઇન્ડિઝ સામે એન્ટીગુઆમાં રમી હતી.