સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપે તક્ષશિલા મામલે એકબીજા પર દોષારોપણ કર્યું હતું. કોંગ્રેસે મેયર જગદીશ પટેલનું રાજીનામું માંગ્યું હતું તો શાસક ભાજપના કોર્પોરેટરોએ સીધી રીતે વહીવટી તંત્ર જવાબદાર હોવાનું જણાવ્યું હતું. કોઈ પણ પ્રકારના હંગામા વિના કે ગરમાગરમી વિનાની સામાન્ય સભામાં ખૂબ જ શાંતિપૂર્વક ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ તક્ષશિલા અંગે જબરદસ્ત ચર્ચા કરી હોવાનો આ એક ઈતિહાસ બની જશે.
તક્ષશિલા અગ્નિકાંડ બાદ મનપાની રિક્વિઝિશન મીટીંગ મળી હતી. આ પહેલાં મળેલી સામાન્ય સભામાં અગ્નિકાંડમાં મોતને ભેટેલા ભૂલકાઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસે મેયરનું રાજીનામું અને મ્યુનિસિપલ કમિશનરન બદલી કાઢવાની માંગ કરી હતી.
આજે મળેલી મીટીંગમાં મેયર દ્વારા કોર્પોરેટરોને ચેતવણી આપવામાં આવી હતી કે ચર્ચાને ગંભીરતા લેવામાં આવે અને દરેક સભ્ય દ્વારા સમયની મર્યાદા બાંધવામાં આવે. વાતને રિપીટ નહીં કરવાની પણ તાકીદ કરવામાં આવી હતી.
સ્થાયી સમિતિના6 સભ્યો અને વિપક્ષ કોંગ્રેસના 32 કોર્પોરેટરો દ્વારા રિક્વિઝીશન મીટીંગની માંગ કરવામાં આવી હતી. મેયર દ્વારા ચર્ચાને શરૂ કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને ઘટના તથ્યો અને તપાસ સહિતની બાબતો સામાન્ય સભા સમક્ષ રજૂ કરી હતી. કોંગ્રેસના સભ્યોએ મેયરના રાજીનામાની માંગ કરી હતી.
વિપક્ષ નેતા પપ્પન તોગડીયાએ કહ્યું કે ઘટનાઓને નિવારવા માટે અગમચેતી રાખવામાં આવી નહીં તેના કારણોસર આવા બનાવો બની રહ્યા છે. અધિકારીઓ પોતે પોતાની ફરજ સમજીને ખોટું ન કરવા દે તો આવી ઘટનાઓ નહીં બને અને ભવિષ્યમાં સતર્કતા રાખવાની જરૂર છે.
કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ તક્ષશિલા જેવા કાંડ માટે ભાજપ શાસકો જવાબદાર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આઠ મહિના પહેલાં વેસુના આગમ આર્કેડમાં આગ લાગી હતી ત્યારે કમિશનરે ખાતરી આપી હતી કે હવે પછી આવો બનાવ નહીં બને તેની તકેદારી રાખવામાં આવશે. કમિશનરે પણ ટ્યુશન ક્લાસીસને કાગળીયા કાર્યવાહી કરી હોવાનું માલૂમ પડી રહ્યું છે. પાછલા 25 વર્ષથી ભાજપના રાજમાં ગેરકાયદે બાંધકામો થયા છે અને ભાજપ શાસકોના મેળાપીપણામા તક્ષશિલા જેવા અનેક બાંધકામો હજુ પણ સુરતમાં હોવાના પુરાવા છે. ભૂપેન્દ્ર સોલંકીએ મેયરના રાજીનામાની માંગ કરી હતી.
સુરતની ઘટના માનવ હૃદયને ઝટકો આપી ગઈ આ ઘટના બનવાના કારણો સુધી પહોંચવું જરૂરી છે. આ ઘટનામાં મેયર ઉપર દેવરાજ ગોપાણીએ આક્ષેપ કર્યો હતો કે આગ લાગી ત્યારે ખબર પડી કે બિલ્ડીંગમાં એક જ સીડી હતી. જો પહેલાંથી જ તકેદારી રાખી હોત તો 22 ભલકાઓએ જીવ ગૂમાવવાનો વારો આવ્યો ન હોત.
અસલમ સાયકલવાલાએ કહ્યું કે પાર્લે પોઈન્ટ ઓવર બ્રિજની ઘટનામાં અલોરીયા કમિટીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો પણ આજે આ રિપોર્ટ ઘૂળ ખાય છે, હવે તક્ષશિલામાં તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે પણ કોઈ કાર્યવાહી કે અમલ ન થાય તો આવા તપાસ રિપોર્ટનો કોઈ અર્થ સરતો નથી.
મેયર જગદીશ પટેલે કહ્યું કે અંતિમ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ખૂબ જ તટસ્થ રીતે ગંભીરતાથી તપાસ થશે. જે જવાબદાર હોય એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવશે.
અશોક જીરાવાળાએ મેયર પર આક્રમક રીતે પ્રહાર કરતા કહ્યું કે સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો બાળકોને બચાવવા શું કર્યું? મેયર રાજીનામું આપે તો અશોક જીરાવાળા પણ રાજીનામું આપી દેશે.
ભાજપના કોર્પોરેટર સોનલ પટેલે કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે તમામે સાવચેતી રાખવાની જરૂર છે.