રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રાજકીય સ્થિતિ પ્રવાહીશીલ બની ગઈ છે. કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ બનાસકાંઠામાં કોંગ્રેસની વિરુદ્વ કામ કરનારા અલ્પેશ ઠાકોરે ભાજપના નેતાઓ સાથે મુલાકાતો વધારી દીધી છે. ભાજપ પણ અલ્પેશ ઠાકોરને લઈ અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયો છે પણ હવે સામે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ફિક્સમાં મૂકાઈ જવા પામ્યા છે.
ગુજરાતના રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહ લોકસભામાં ચૂંટાઈ આવતા હવે તેમની જગ્યા ખાલી પડશે અને રાજ્યસભાની ચૂંટણી યોજાશે ત્યારે અલ્પેશ ઠાકોરની કસોટી થવાની છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે કાયદાકીય સ્થિતિ એવી બની રહી છે કે જ્યાં સુધી અલ્પેશ ઠાકોર વિધાનસભાના ફ્લોર પર કોંગ્રેસના આદેશનો અનાદર કરે તો અને તો જ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરી શકે છે. અલ્પેશ ઠાકોર એમ પણ કહે છે કે કોંગ્રેસના હોદ્દા પરથ રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદ છોડીશ નહી. પણ જ્યારે રાજ્યસભામાં વોટીંગની સ્થિતિ આવશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને માટે અલ્પેશ ઠાકોર એક કોયડો બની રહેશે. જો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પોતાના ઉમેદવારની તરફેણમાં વોટ આપવનો વ્હીપ આપે અને અલ્પેશ ઠાકોર ક્રોસ વોટીંગ કરે તો આવી સ્થિતિમાં ધારાસભ્ય પદ ગૂમાવવાનો વારો આવી શકે છે. બીજી સ્થિતિ એ છે કે અલ્પેશ ઠાકોર પોતે ધારાસભ્ય પદ છોડી દે પણ એ વાત કોંગ્રેસને નુકશાન તો કરે જ છે પણ સાથો સાથ ભાજપને પણ નુકશાન કરી શકે છે.
રાજ્યસભામાં કુલ ધારાસભ્ય પ્રમાણે વોટીંગના પોઈન્ટ નક્કી કરાયેલા છે. અહેમદ પટેલની ચૂંટણી સમયે જોવામાં આવ્યું કે ધારાસભ્યોએ ધડાધડ રાજીનામા આપ્યા તો જીતવા માટે જોઈતા વોટની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો અને તેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો હતો. અલ્પેશ ઠાકોર અને તેમની સાથેના ધારાસભ્યો રાજીનામા આપે તો સ્થિતિ અહેમદ પટેલની ચૂંટણીવાળી બની રહેવાની શક્યતા છે. ભાજપે હજુ સુધી અલ્પેશ ઠાકોર માટે કોઈ નિર્ણય કર્યો નથી. ચર્ચા તો એવી છે કે ભાજપમાં અલ્પેશ ઠાકોરને લઈ ભાજપના આગેવાનો અને કાર્યકરો વિરોધ કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરના બળવાનો જવાબ આપવા માટે કાયદાકીય ગૂંચ ઉકેલવામાં મથી રહી છે. અલ્પેશ ઠાકોર માટે આવનાર સમય આરપારની લડાઈ લડવાનો રહેશે અને તેમણે નક્કી કરવું પડશે કે કાં તો કોંગ્રેસ અને કાં તો ભાજપ.