સાયક્લોન “વાયુ’ના કારણે ગુજરાતમાં એલર્ટ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તંત્ર સાબદું

સંભિવત ચક્રવાતી તોફાન વાયુ આ વખતે ગુજરાતના કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આના કારણે ગુજરાતને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. આ સમયે આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપે દક્ષિણ પૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સ્થિત છે. 11.2 ° N અને 71 ° E પર મુંબઈથી લગભગ 800 કિ.મી દુર દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ તરફ છે.

ચક્રવાત વાયુના ડિપ્રેશનના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન ખાતાએ ચેતવતા જણાવ્યું છે કે 12થી 14 જૂન વચ્ચે 90થી 100 કિ.મીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને બોટ સાથે દરિયા નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સંબંધિત તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર એક નંબરના સિગ્નલ મૂકી દેવામાં આવ્યા છે.  

આજે સાંજથી આ ડિપ્રેશન વધુ ઝડપી બનવાની સંભાવના છે અને 11મી જૂને ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરાવર્તિત થવાની આશંકા છે. જોકે, આ સમયે તોફાન મુંબઈથી દુર રહેશે. લાંબી સમુદ્ર યાત્રા અને એર શિયર અને ગરમ હવાના કારણે ચક્રવાત આગળ વધીને તાકાતવર બની જશે. જેના પરિણામે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ શકે છે.

હાલના સમયે આ ડિપ્રેશન ઉત્તર-ઉત્તર-પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ પશ્ચિમી કિનારાના વિસ્તારોમાં 300 કિ.મીના જ અંતરે છે. 12મી જૂને આ તોફાન સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો સુધી પહોંચી જવાની શક્યતા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમી વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમથી લેન્ડ ફોલની શક્યતા નહિંવત છે પરંતુ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં આની અસર ભારે વરસાદની સંભાવના રહેલી છે.  

સંભિત ચક્રવાત તોફાનનો રૂપ ધારણ કરી શકે છે. ગુજરાતમાં ખાસ કરીને જામનગર, સોમનાથ, પોરબંદર અને નલિયામાં સરકાર દ્વારા તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.

દરમિયાનમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. ગરમીમાં રાહત આપવા માટે આ વરસાદ આશિર્વાદરૂપ પુરવાર થશે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભૂજ, સુરત અને વેરાવળ સહિતના કાંઠા વિસ્તારોમાં 12થી 13 જૂન વચ્ચે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.