કે.કૈલાશનાથન બની શકે છે રાજ્યપાલ

(સૈયદ શકીલ દ્વારા): કૂનિયલ કૈલાશનાથન આખું નામ છે. ગુજરાતના બ્યુરોક્રેટસમાં તેઓ કે.કૈલાશનાથન અને કે.કેનાં નામથી ખાસ્સા જણીતા છે. 1979 બેચના આઈએએસ અધિકારી એવા કે.કૈલાશનાથન ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકાર સમયે ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી રહ્યા હતા.

કોંગ્રેસના રાજમાં આઈએએસ અધિકારી બનેલા કૈલાશનાથને સુરેન્દ્રનગર અને સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવી છે. સુરતમાં તેઓ 1987માં અને સુરેન્દ્રનગરમાં 1985માં કલેક્ટર તરીકે રહ્યા હતા. મેરી ટાઈમ બોર્ડમાં સેવારત રહ્યા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ નિમાયા હતા. ખાસ કરીને અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટ તથા બીઆરટીએસ પ્રોજેક્ટ(અમદાવાદ)માં તેમની સેવાની નોંધ લેવામાં આવી હતી

31 મે-2013માં 33 વર્ષની ફરજ નિભાવી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે રિટાયર થયા બાદ ગુજરાત સરકારે તેમને એક્સટેન્શન આપ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયમાં કે.કૈલાશનાથન માટે ચીફ પ્રિન્સીપલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરવામાં આવી અને હાલ તેઓ આ પોસ્ટ પર કાર્યરત છે. મહત્વની વાત એ છે કે કૈલાશનાથન પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એમ બન્નેના વિશ્વાસુ અધિકારી મનાય છે.

લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારનો ફરી વાર ભવ્ય વિજય થયા બાદ કૈલાશનાથનને તેમના હોમ ટાઉન સાઉથમાં રાજ્યપાલ તરીકે નિમણૂંક આપવાની ચર્ચા ચાલી રહી છે. કે.કૈલાશન નાથનને તામિલનાડુ કે આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત વધતી ઉંમરના કારણે કર્ણાટકના રાજ્યપાલ તરીકે વજુભાઈ વાળાની જગ્યાએ પણ કે.કૈલાશનાથનને નિમવાની અટકળો ગાંધીનગર સચિવાલયમાં ચાલી રહી છે. આમ સાઉથમાં કે.કૈલાશનાથનનું નામ કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરળ અને તામિલનાડુના રાજ્યપાલ તરીકે લેવામાં આવી રહ્યું છે. ચારમાંથી કોઈ એક રાજ્યમાં 24 મે-1953માં જન્મેલા 66 વર્ષીય કે.કૈલાશનાથનને રાજ્યપાલનો કાર્યભાર સોંપવામાં આવે તેવી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.