જાણીતા નાટ્યકાર, ફિલ્મ અભિનેતા લેખક ગિરીશ કર્નાડનું નિધન, નાટ્ય જગતમાં શોક

ભારતના જાણીતા લેખક, એક્ટર, ફિલ્મ ડાયરેક્ટર અને નાટકની દુનિયાના દિગ્ગજ ગિરીશ કર્નાડનું સોમવારે નિધન થયું છે. 81 વર્ષીય કર્નાડ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમણે બેંગલોરમાં અંતિમ શ્વાસ લીધા. ગત મહિને જ તેમનો 81મો જન્મ દિવસ હતો. ગિરીશ કર્નાડને પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગિરીશ કર્નાડે પોતાનું પ્રથમ નાટક કન્નડમાં લખ્યું હતું અને બાદમાં તેનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. તેમના જાણીતા નાટકોમાં યયાતિ, તુગલક, હયવદન, અંજુ મલ્લિગે, નાગમંડલ અને અગ્નિ અને બરખા સામેલ છે. કર્નાડના યયાતિ અને તુગલક નાટકથી તેમણે નાટ્યજગતને પ્રભાવિત કરી દીધું હતું. જ્યારે તેમની મહત્વની કૃતિઓ હયવદન, નાગ મંડલા અને તલડેંગાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા મેળવી હતી.

બંને પદ્મ સન્માન ઉપરાંત તેમને 1972મા્ં સંગીત નાટક અકાદમી, 1994માં સાહિત્ય અકાદમી, 1998માં જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળ્યા હતા. કન્નડ ફિલ્મ સંસ્કાર માટે તેમને સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.