ભારતનો ભાગેડુ માલ્યા લંડનમાં મહાલે છે, ઠાઠ-માઠમાં જોવા પહોંચ્યો ભારતની મેચ

રવિવારે લંડનમાં ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થયો તો આ મેચ જોવા માટે ઠાઠ-માઠથી ભારતનો ભાગેડુ વિજય માલ્યા મેચ જોવા પહોંચી ગયો હતો. ભારતીય બેન્કોને હજારો કરોડોનો ચૂનો ચોપડીને ભાગી ગયેલા જય માલ્યાને મેચ જોવા માટે સ્ટેડીયમમાં જતા જોવામાં આવ્યો હતો અને તેના ફોટો સોશિયલ મીડિયામાં લંડનથી શેર કરવામાં આવ્યા હતા.

વિજય માલ્યા પોતાના ઠાઠ-માઠમાં જ આવ્યો હતો. થ્રી પીસ કોર્ટ પહેર્યો હતો અને બ્લેક ગોગલ્સ પહેર્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ પૂછતાં તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે મેચ જોવા આવ્યો છે. ત્યાર બાદ તે મેચ જોવા સ્ટેડીયમમાં જતો રહ્યો હતો. આ પહેલા પણ ટેસ્ટ સિરિઝ દરમિયાન પણ માલ્યા મેચ જોવા આવ્યો હતો.

આઈસીસી ચેમ્પિયનશીપમાં દક્ષિણ આફ્રીકા સાથેની મેચ દરમિયાન પણ ઓવલ સ્ટેડીયમમાં વિજય માલ્યા દેખાયો હતો. તે સમયે માલ્યાની જોરદાર હૂટીંગ કરવામાં આવી હતી. વિજય માલ્યાએ ભારતીય બેન્કોને નવ હજાર કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે અને તેની સામે મની લોન્ડરીંગનો ગુનો નોંધાયો છે. 2016માં તે લંડન નાસી છૂટ્યો હતો. એપ્રિલ-2017મા માલ્યાને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ પકડી લીધો હતો અને ત્યાર બાદ તે જામીન પર છૂટ્યો હતો. ભારત સરકાર હજુ સુધી આ ભાગેડુને ઝડપી શકી નથી.