સુરતના મેમણ સમાજમાં મોભાદાર કુટુંબમાં સમાવેશ કરાતા વાઘબકરીવાલા ફેમિલીના ઝહીર વાઘબકરીવાલાએ તાપી નદીમાં વિયર કમ કોઝવે ખાતેથી મોતની છલાંગ લગાવતા ભારે ચકચાર મચી ગઈ છે. ઝહીર વાઘબકરીવાલાએ તાપી નદીમાં મોતને વહાલું કર્યું તેની પાછળ આર્થિક સંકડામણ અને માનસિક તાણ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતો મુજબ આજે સવારે સુરત ફાયર બ્રિગેડને કોલ આવ્યો હતો કે તાપી નદીમાં વિયર કમ કોઝવે ખાતેથી યુવક તાપીમાં છલાંગ લગાવી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ અને લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને છલાંગ લગાવનારા યુવકની શોધખોળ આદરી હતી. ત્રણ કલાકની જહેમતના અંતે યુવકની લાશ મળી આવી હતી. યુવકની ઓળખ 40 વર્ષીય ઝહીર ફિરોઝ વાઘબકરીવાલા તરીકે કરવામાં આવી છે. ફિરોઝ વાઘબકરીવાલા સુરત ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી સક્રીય છે અને વાઘબકરીવાલા ફેમિલીનું સારું એવું નામ છે. ઝહીરે આત્મહત્યા કરી તેની પાછળ દેવું મુખ્ય કારણ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ઝહીર વાઘબકરીવાલાની આત્મહત્યાની ખબર મેમણ સમાજમાં વાયુવેગે પ્રસરી જતા મેમણ સમાજના આગેવાનો ચોકબજાર જુમ્મા મસ્જિદ પાછળ આવેલા વાઘબકરીવાલા નિવાસે દોડી ગયા હતા.