તક્ષશિલા અગ્નિકાંડ: બિલ્ડરોએ આકારણી કરવા કર્યું હતું કૌભાંડ, વધુ એક પોલીસ ફરીયાદ

24મી જૂને સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને તેમાં 22 ભૂલકાઓ મોતને ભેટ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી બિલ્ડર અને ઓર્ગેનાઈઝરો વિરુદ્વ કાર્યવાહી કરી છે તથા સુરત મહાનગરપાલિકના અધિકારીઓને પણ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરતના વરાછા ઝેન દ્વારા તપાસ કરવામાં આવી છે અને તક્ષશિલા આર્કેડને આકારણીના ચોપડે ચઢાવવા માટે કરવામાં આવેલા કૌભાંડ અનુસંધાને વરાછા ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર એ.એમ.રાજ દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

વિગતો મુજબ ટીપી-22(સરથાણા-વાલક)ના ફાઈનલ પ્લોટ નંબર-1, બ્લોક નંબર-180ના નિર્મલ નગર કો-ઓ.હાઉસીંગ સોસાયટીના સબપ્લોચ નંબર-7માં આવેલા ભોલેનાથ શોપીંગ સેન્ટર(તક્ષશિલા આર્કેડ)ની આકરાણી દફતરે ચઢાવવા માટે ભાનુબેન સવજીભાઈ પાઘડર, જ્યોતિબેન હરસુખભાઈ વેકરીયા તથા રંજનબેન રવિન્દ્ર કહારને નવયુગ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર જિજ્ઞેશ મિસ્ત્રી દ્વારા સંતોષકારક કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનો સર્ટીફિકેટ આપ્યું હતું. ત્રીજા માળ પર આવેલા પતરાના ડોમવાળી મિલ્કત માટે આ સર્ટીફિકેટ આપવામાં આવ્યું હતું.

નવયુગ એન્ટપ્રાઈઝ દ્વારા 30-7-2010ના રોજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખરીદીના ઈન્વોઈસ બીલ નંબર-22,23 અને 24 પણ આપ્યા હતા. ખાસ કરીને ત્રીજા માળે ફેબ્રિકેશન, કોલમ, બીમ તથા યુપીવીસી શીટના છત સાથેનો સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.

આ અંગે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના આકારણી અને વસુલાત વિભાગમાં આકારણી દાખલ કરવા મટે 30-7-2012ના રોજ અરજી કરવામાં આવી હતી. આકારણીમાં નામ દાખલ કરવા માટે નવયુગ એન્ટરપ્રાઈઝ દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને પુરવારૂપે રજૂ કરવામાં આવ્યું હતું.

વરાછા ઝોન દ્વારા તપાસ કરવામા આવતા 12-4-2011 ગૂગલ ઈમેજમાં વિવાદી બાધકામ થયું ન હોવાનું જણાઈ આવ્યું હતું થતા 26-3-2012ની ગૂગલ ઈમેજમાં જણાઈ આવ્યું હતું. આમ ત્રણેય જણાએ વિવાદી બાંધકામ અંગે 28-7-2010ના રોજ થયું હોવાની ખોટી વિગત રજૂ કરી હતી. આ અંગે આસિ.કમિશનર એ.એમ રાજે આજે સરથાણા પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરી તમામની સામે કાર્યવાહી કરવાની અરજ ગુજારી છે.