પોરબંદરના માધવપુરા ગામે સાયક્લોન સેન્ટર બનાવવાનો વિરોધ, કારોને આગ ચંપાઈ, તોડફોડ કરાઈ

પોરબંદરના માધવપુરાના પોતા ગામે ગુજરાત સરકાર દ્વારા સાયક્લોન સેન્ટર બનાવવાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે બનેલી હિંસક ઘટનામાં ગામ લોકોએ બે કારને આગ ચાંપ દીધી હતી અને અન્ય કારોમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગતો મુજબ પોતા ગામના સર્વે નંબર 195માં 7591 ચોરસ મીટર જમીનમાં સાયક્લોન સેન્ટર બનવવા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા અગાઉ નક્કી કરાયેલી જગ્યાના બદલે ફેરબદલ કરી પોતા ગામના આ સરવે નંબર પર સાયક્લોન સેન્ટર બનાવવાનું શરૂ કરાતા લોકોનો વિરોધ ફાટી નીકળ્યો હતો. આમ તો સાયક્લોન સેન્ટર ગામવાસીઓ સહિત સમગ્ર પોરબંદર અને કચ્છ માટે લાભદાયી પુરવાર થવાનું છે ત્યારે વિરોધ કરવાને લઈ ગામવાસીઓનો મિજાજ ઉગ્ર બની જતા તંત્રવાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આજે સેન્ટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા 500 કરતાં વધુના ગામ લોકોનું ટોળું જમા થઈ ગયું હતું અને પથ્થરમારો કર્યો હતો. ત્રણેક સરકારી કારમાં તોડફોડ કરવામાં આવી હતી અને બે કારને આગ ચાંપી દેવામાં આવી હતી. જેસીબીમાં તોડફોડ કરાઈ હતી. ઘટના અંગે માલતદાર દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.