બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જદ-યુની રાષ્ટ્રીય કારોબારીમાં મોટો નિર્ણય કર્યો છે. નીતિશે નક્કી કર્યું છે કે બિહારની બહાર જદ-યુ અને ભાજપના નેતૃત્વવાળા એનડીએ સાથે ગઠબંધન કરશે નહીં. જમ્મૂ-કાશ્મીર, ઝારખંડ, હરીયાણા અને દિલ્હીમાં થનારી વિધાનસભાની ચૂંટમીમાં જદ-યુ એકલે હાથે ચૂંટણી લડશે. જ્યારે બિહારમાં જદ-યુ એનડી સાથે રહેશે અને ભાજપ સાથે ગઠબંધન કરીને 2020ની ચૂંટણી લડશે.
નીતિશ કુમારે કહ્યું કે મનમા ભ્રમ રાખવાની જરૂર નથી. જદ-યુ એનડીમા છે અને રહેશે. બિહારમાં ભાજપ સાથે ગઠબંધન ચાલુ રહેશે પણ બિહારની બહાર ગઠબંધન કરવામાં આવશે નહીં અને જનતા દળ-યુ એકલે હાથે ચૂંટણી લડશે.
પટનામાં મુખ્યમંત્રી નિવાસે જદ-યુની બેઠક મળી હતી. આ બેઠકમાં એનડીએ વિરોધી મમતા બેનર્જી માટે ચૂંટણીની રણનીતિ બનાવવાની જાહેરાત કરનાર પ્રશાંત કિશોર પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પાર્ટીના વરિષ્ઠ નેતા નારાયણસિંહ, પ્રવક્તા કેસી ત્યાગી અને બિહારના જિલ્લા તથા શહેર પ્રમુખો હાજર રહ્યા હતા.
કેટલાક દિવસો પૂર્વે આરજેડીના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદે કહ્યું હતું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર કોઈ પણ સમયે પલટી મારી શકે છે અને આમાં કોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં. કારણે કે નીતિશ આવું અનેક વાર કરી ચૂક્યા છે. લોક સમતા પાર્ટી(આરએલએસપી)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ કહ્યું હતું કે નીતિશ કુમારે જનાદેશનો અનાદર કરવા માટે પ્રખ્યાત છે. જનતા અને ગઠબંધનના સહયોગીઓને દગો આપવાની તેમની જૂની આદત છે. હવે ભાજપે દગા-નંબર ટૂ માટે તૈયાર રહેવાની જરૂર છે. બિહારમાં એવું કોઈ પણ નથી જેને નીતિશ દગો આપ્યો ન હોય.