સન્ડે ફિવર: ઓસ્ટ્રેલિયાને ઘેરી લેવા ટીમ ઈન્ડીયાનો ગેમ પ્લાન શું છે? જાણો

રવિવારે લંડનના ઓવલ મેદાન પર ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા ઉતરશે. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પ્રબળ દાવેદારોમાંથી એક છે અને ગુરૂવારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સામેની મેચમાં તેણે એ દર્શાવી દીધું કે એક ચેમ્પિયન ટીમ મુશ્કેલ સ્થિતમાંથી કેવી રીતે બહાર આવે છે. હાલમાં ઇંગ્લેન્ડમાં વરસાદી માહોલ છે પણ રવિવારે હવામાન ચોખ્ખુ રહેવાના અણસાર છે. વેસ્ટઇન્ડિઝ સામે લથડી પડેલી ટીમને જે રીતે સ્ટીવ સ્મિથ અને નાથન કુલ્ટર નાઇલે ઉગારી હતી તેને ધ્યાને લેતા તેમની બેટિંગનું ઉંડાણ સમજાય છે, જો કે આમ છતાં બંને વચ્ચેની સ્થિતિને ધ્યાને લઇએ તો ભારતીય ટીમ વધુ મજબૂત જણાય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રમતની વાત કરવામાં આવે તો છેલ્લા બે દશકામાં બંને ટીમ વચ્ચે પ્રતિસ્પર્ધા ઘણી વધી છે. હવે બંને ટીમ વચ્ચે જ્યારે પણ મેચ રમાય છે ત્યારે બંને ટીમ પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરે છે..રવિવારે રમાનારી મેચ પણ આ પ્રકારે જ રસાકસી સાથેનો જંગ બની રહે તેવા એંધાણ છે. વળી વિરાટની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ટીમની નબળાઇઓથી વાકેફ છે, તો ઓસ્ટ્રેલિયા પણ ભારતીય ટીમની કમજોરી જાણે જ છે.

રવિવારની આ મેચ બાબતે ભારતીય ટીમ પોતાની તૈયારીને ચકાસી રહી છે ત્યારે એવું નથી કે એ માહોલ માત્ર ભારતીય છાવણીમાં જ છે. ટીમ ઇન્ડિયા આ વર્લ્ડ કપમાં જે કોમ્બિનેશન લઇને પહોંચી છે તેવું કોમ્બિનેશન ઘણી ઓછી ટીમો પાસે છે. ભારતીય ટીમ પાસે 4-4 ઓલરાઉન્ડર છે, જે બેટિંગ, બોલિંગઅને ફિલ્ડીંગમાં તેની તાકાત વધારી દે છે.. મિડલ ઓવરોમાં ભારતીય સ્પિનરો વિકેટ ખેરવીને ટીમને મોટો ટેકો આપી જાય છે અને તેના કારણે ડેથ ઓવરોમાં ફટકાબાજી કરવાની વિરોધી ટીમની યોજના ઊંઘી વળી શકે છે. વળી ટીમ ઇન્ડિયા પાસે ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ ઝડપી બોલરો હોવાથી કાંગારુ ટીમને એ વાતની ચિંતા છે. ભારત વિરુદ્ધ જે પડકાર ફેકવાની તેમની યોજના હોય તે તમામ પડકારને પહોંચી વળવાની ભારતની તાકાત છે.

હાલના વર્લ્ડ કપમાં કાંગારુ ટીમ પોતાના ટાઇટલને ડિફેન્ડ કરવાના ઇરાદા સાથે આવી છે અને તેમની પાસે એ તમામ વિકલ્પ મોજૂદ છે જે એક ટીમને ચેમ્પિયન બનાવે છે. ભારતીય ટીમ પણ આ વર્લ્ડ કપમાં મોટા દાવેદાર તરીકે પહોંચી છે અને રવિવારની મેચ એ જાહેર કરી દેશે કે ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનના ખિતાબ માટે કેટલી તૈયાર છે. આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોની ટેક્નીક અને માનસિકતાની આકરી કસોટી થશે. અને સાથે જ કાંગારુ ટીમના નિષ્ણાત બેટ્સમેનો સામે ભારતીય બોલિંગ આક્રમણની શક્તિ પણ પરખાઇ જશે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું સરળ હોતું નથી અને આ વખતે પણ તેઓ પોતાની એ જ જૂની ઓળખ સાથે વર્લ્ડ કપમાં આવ્યા હોવાનું વિન્ડીઝ સામેની મેચથી પરખાઇ ગયું છે.