દાઉદી વ્હોરા સમાજમાંથી પહેલી વાર તડીપારી, સુરતના તૈયબ ચન્નીવાલા તથા ભાજપનો કાર્યકર ઝહુર કુરૈશી તડીપાર

સુરત શહેરમાં પાછલા કેટલાક મહિનાથી ચર્ચાસ્પદ બનેલા ઉપરાછાપરી ખંડણીના કેસમાં સુરત પોલીસ કમિશનરે સખત રવેયો અપનાવ્યો છે અને ખંડણી સહિત ધાક-ધમકીના કેસમાં બે ઈસમોને તડીપાર કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સલાબત પુરા પોલીસ મથકમાં નોંધાયેલા ખંડણીના ગુનામાં દાઉદી વ્હોરા સમાજમાંથી પહેલી વાર કોઈ ઈસમને તડીપાર કરવામાં આવ્યો છે. ઈન્દરપુરા, બદરી રોડ. જામરુદ એપાર્ટમેન્ટના 407 નંબરના ફલેટમાં રહેતા અને દાઉદી વ્હોરા સમાજમાં આગળ પડતું કામ કરતા તૈયબ હુસૈન ચન્નીવાલા અને ભાજપ સાથે વર્ષોથી સંકળાયેલા તથા ઝાંપા બજાર તૈયબી મહોલ્લામાં રહેતા ઝહુર ઈસ્માઈલ કુરૈશીને સુરત શહેર અને જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર તથા સુરત જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવતા વ્હોરા અને મુસ્લિમ સમાજમાં ભારે ચર્ચા થઈ રહી છે.

તૈયબ ચન્નીવાળા અને ઝહુર કુરૈશી વિરુદ્વ વ્હોરા સમાજના જ અગ્રણી બદરી લેસવાળા પાસેથી ખંડણી માંગવાના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત ઝહુર કુરૈશી વિરુદ્વ સલાબત પુરા મોમનાવાડના ઈસ્માઈલ વાડીવાલા નામના પ્રૌઢે પણ ખંડણીની ફરીયાદ  આપી હતી અને તેના અનુસંધાને ઝહુર કુરૈશી અને અન્યો સામે ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.