ઝઘડીયા તાલુકામાં ખનીજ ખનન ના ધંધાની આડેધડ ચાલતી કામગીરી બાબતે તંત્રની મીલીભગત જવાબદાર છે, લોકોના ઉહાપોહ બાદ અને નર્મદાના પ્રવાહની દયનિય હાલત થતા તંત્રએ મોડે મોડે પણ પગલાં ભરવાની શરૂઆત કરી છે. તંત્રની આ ઢીલી નીતિના કારણે ઝઘડીયાના ટોથીદરામાં વીસ દિવસ પહેલા ઝઘડીયા મામલતદાર જે.એ. રાજવંશી દ્વારા તોડી નાખવામાં આવેલા પુલીયા બેખોફ બનેલા લીઝ માલિકો અને સંચાલકો દ્વારા ફરી બનાવી દેવામાં આવ્યું હતું, કોઈ પણ ભોગે રેતી ખનન કરવા માટે ટોથીદરાના લીઝ સંચાલક દ્વારા તંત્રની ધાક પણ નહિ રાખી નીતિ નિયમ નેવે મૂકી ફરીથી નર્મદાના પ્રવાહને અવરોધરૂપ પુલીયુ બનાવી દીધું તેની પાછળ શાસક પક્ષના કોઈ મોટા માથાનું પીઠબળ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેથી મામલતદાર દ્વારા કરાયેલી કામગીરીની અવગણના કરી ગેરકાયદેસર પુલીયુ ફરી બનાવી દેવામાં આવ્યું છે.
ઝઘડિયા મામલતદારને આ બાબતની જાણ થતા તેમની જિલ્લા ભૂસ્તર વિભાગને સૂચના આપી ફરી બનાવેલ પુલીયુ તોડાવી નાખવા જણાવ્યું હતું, જેથી આજરોજ જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા પોલીસ કાફલા સાથે ટોથીદરાનું પુલીયુ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે,
બીજી તરફ જયારે ટોથીદરા, તરસાલી, વેલુગામમાં ગત માસે નર્મદાના પ્રવાહને અવરોધરૂપ ગેરકાયદેસર પુલીયા તોડવાની કામગીરી ચાલતી હતી ત્યારે તંત્રને ઝઘડીયાથી કબીરવડ જવાના માર્ગ પર નર્મદાના પ્રવાહ પૂર્ણ રીતે અવરોધાય તેવું પુલીયુ કબીરવડ પ્રવાસનધામ વિકાસનું કામ કરતા સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવામાં આવેલ છે તેને પણ તોડવા માટે સ્થાનિક ખેડૂતો તથા નર્મદા બચાવો અભિયાન ચલાવતા સંગઠનો દ્વારા રજૂઆત કરી હતી.
ખેડુતો તથા સ્થાનિક લોકોની રજૂઆત હોવા છતાં પણ તંત્ર દ્વારા તે સમયે કબીરવડનો જોડતું પુલીયુ તોડવામાં આવ્યું ન હતું. જવાબદાર તંત્ર પર કબીરવડના પુલિયાને તોડવાનું દબાણ વધ્યું હતું અને સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તંત્ર આ પુલીયુ નહિ તોડે તો ખેડૂતો જાતે આ પુલિયાને તોડવાની કામગરી કરશે તેવી ચીમકી આપતા તંત્ર હરકતમાં આવ્યું છે અને કબીરવડ ને જોડતું આ પુલીયુ પણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઝઘડીયા મામલતદાર જે.એ.રાજવંશી દ્વારા મશીનરી દ્વારા નર્મદાના પ્રવાહને અવરોધરૂપ 150 મીટર થી વધુ લાબું પાકું પુલીયુ તોડાવી રહ્યા છે, કામગીરી દરમિયાન સામે કાંઠાના સરપંચ અને અન્ય લોકો પુલીયુ તોડવાની કામગરીમાં અવરોધરૂપ બનતા પોલીસની દરમિયાનગીરીથી મામલો વધુ ઉગ્ર બનતા અટક્યો હતો.