એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ એવિએશન કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલને હાજર થવા બીજી વાર સમન્સ મોકલ્યો છે. EDએ પટેલને 10 અથવા તો 11 જૂને હાજર થવાનું ફરમાન જારી કર્યું છે. આ પહેલાં પટેલને છઠ્ઠી જૂને પૂછપરછ માટે હાજર થવાનું કહેવાયું હતું. પરંતુ વ્યસ્તતાના કારણે પ્રફુલ પટેલ હાજર રહ્યા ન હતા અને મુદ્દત માંગી હતી. EDએ આજે બીજી તારીખ આપી છે અને 10 કે 11 જૂને હાજર થવાનું કહ્યું છે. એવિએશન કૌભાંડના કારણે એર ઈન્ડીયાને ભારે નુકશાન થયું હતું.
સૂત્રોએ જણાવ્યું છે કે વિમાન ખરીદી માટે લોબીંગ કરતા દીપક તલવારની ધરપકડ બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. આ મામલે પ્રફુલ પટેલે મુંબઈ ખાતે મીડિયાને કહ્યું હતું કે ED સાથે સહયોગ કરવામાં આવશે. EDને પણ વિમાન ખરીદી કરવાની પેચીદી પ્રક્રિયાની જાણ થશે.
પ્રફુલ પટેલને સમન્સ મોકલતા પહેલા EDએ કોર્ટને કહ્યું હતું કે એર ઈન્ડીયાને લાભકારક માર્ગો અને સમય ફાળવવાના બદલે કતર એરવેઝ, અમીરાત એન્ડ એર એશિયા સહિતની વિદેશી એર લાઈન્સની તરફેણ કરનારા નાગર વિમાન મંત્રાલય, નેશનલ એવિએશન કંપની ઓફ ઈન્ડીયા અને એર ઈન્ડીયાના અધિકારીના નામોની શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશી કંપનીઓની તરફેણ થવાના કારણે દેશની પ્રાઈવેટ એર લાઈન્સ અને વિદેશી એરલાઈન્સને લાભ થયો હતો. જ્યારે એર ઈન્ડીયાને નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.