સોનિયા ગાંધીને મળ્યા મોદીના ત્રણ મંત્રીઓ, પણ શા માટે?

મોદી સરકારના સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. 17મી જૂનથી શરૂ થઈ રહેલા સંસદીય સત્રને સુચારુ રીત ચાલવા દેવા માટે સહયોગ માંગ્યો હતો. પ્રહલાદ જોશીની સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને અર્જુન મેઘવાલ પણ સાથે હતા. મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ સત્ર શરૂ થવા જઈ હ્યું છે.

સોનિયા ગાંધી સાથે તેમના નિવાસે મુલાકાત કર્યા બાદ પ્રહલાદ જોશીએ કહ્યું કે સોનિયા ગાંધી સાથે અમારી મીટીંગ સૌહાદપૂર્ણ રહી છે. સરકારે સંસદીય સત્રને સુચારુ રીતે ચલાવા માટે સહયોગ માંગ્યો છે. વિપક્ષને પણ સત્તા પક્ષના સહયોગની આવશ્યકતા રહેલી હોય છે. સરકાર સહયોગ કરવા તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સોનિયા ગાંધી સાથેની મુલાકાત વિપક્ષ સાથે તાલમેલની ગોઠવણ કરવાની કવાયતનો ભાગ છે. આ બેઠક પંદર મીનીટ ચાલી હતી. સંસદનું સત્ર 26 જૂલાઈ સુધી ચાલવાનું છે અને પાંચમી જૂલાઈએ બજેટ રજૂ કરવામાં આવશે.

સંસદના સત્રમાં બજેટ ઉપરાંત ત્રણ તલાક બીલ સહિત 10 નવા કાયદાઓમાં ફેરફારના બીલ રજૂ કરવામાં આવનાર છે. પહેલા બે દિવસ સુધી સાંસદોની શપથવિધિ ચાલશે. જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદ 20મી જૂને સંસદના બન્ને ગૃહોને સંબોધન કરશે.