રાજકોટમાં ભાજપના કોર્પોરેટર મહિલા એન્કરને ગાળો આપી મારવા દોડ્યા, કારણ જાણો

અમદાવાદના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી દ્વારા મહિલાને સરાજાહેર માર મારવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો રાજકોટમાં વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના ટેકેદાર કોર્પોરેટર દ્વારા મહિલા એન્કરને ગાળો બોલી મારવા દોડવાની ઘટના સામે આવતા ભારે ચર્ચા ચાલી રહી છે.

રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. અમદાવાદ અને રાજકોટની ટીમ વચ્ચે મેચ ચાલી રહી હતી. મેચ જોવા માટે ભાજપના ધારાસભ્ય અરિવંદ રૈયાણી અને રાજકોટના કોર્પોરેટર પરેશ પિપલીયા પણ ગ્રાઉન્ડમાં હાજર હતા. નેતાઓને જોઈ એન્કરીંગ કરી રહેલી તૃપ્તિ શાહ નામની મહિલાએ અરિવંદ રૈયાણીના બદલે અરવિંદ પટેલ નામ અનાઉન્સ કરતા પરેશ પિપલીયા સહિતના ભાજપના કાર્યકરો તૃપ્તિ શાહ પર વિફરી ગયા હતા. નામની પાછળ પટેલ લાગતા અકળાયેલા કોર્પોરેટર અને તેમના ટેકેદારોએ તૃપ્તિ શાહને ગાળો આપી અપશબ્દ કહ્યા હતા. જોકે, મેયર બીના આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પાડ્યો હતો.

તૃપ્તિ શાહે મીડિયાને કહ્યું કે ભાજપના નેતાઓના વ્યવહારથી ખૂબ દુખ થયું છે. લિસ્ટમાં મને જે નામ લખાવવામાં આવ્યું હતું તે જ નામ અનાઉન્સ કરવામાં આવ્યું હતું. આમાં મારો કોઈ વાંક નથી. આવડા મોટા નેતાઓ પાસેથી આવા પ્રકારની હરકતની જરા સરખી પણ આશા ન હતી.

 ધારાસભ્યના ટેકેદાર મનાતા કોર્પોરેટર પિપલીયા સહિતના કાર્યકરો ધારાસભ્યની સાથે જતા રહ્યા હતા પણ મામલાની ફરીયાદ મેયર અને કમિશનરને કરવામાં આવી છે.