કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ કૃષિ અગ્ર સચિવ સંજય પ્રસાદને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ ગુજરાતના કૃષિ અગ્ર સચિવ સંજય પ્રસાદના પાક વીમા સહાયના દાવાને ફગાવી દઈ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.

પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે ગુજરાતના અગ્ર સચિવ સંજય પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી પરથી સાબિત થાય છે કે સરકાર ખેડૂતલક્ષી નહિ પણ પાકવીમા કંપનીલક્ષી છે. અગ્ર સચિવે દાવો કર્યો છે કે ગુજરાતના ખેડૂતોને  1586 કરોડ અછતગ્રસ્ત સહાય આપવામાં આવી છે”

પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે અગ્ર સચિવનું નિવેદન સાબિત કરે છે કે પાક નિષ્ફળ ગયો છે અને તેના માટે પાકની સહાય આપવામાં આવી છે જ્યારે પાક નિષ્ફળ ગયો હોય તેના માટે ખેડૂતોને સહાય આપી હોય તો ક્રોપ કટિંગના આંકડાઓ આધારે જે પાકવિમો આપવાનો છે તે કેમ નથી આપતા?

તેમણે કહ્યું કે   18 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતોને પાકવીમો ચુકવવામાં આવ્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે જેને ચૂકવ્યો એને કેટલો પાકવીમો ચૂકવ્યો? કોઈ ને 0.15% કોઈને 0.69% કોઈને 5% કોઈને 10% પાકવીમો ચૂકવ્યો છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ 18 લાખ ખેડૂતોનો આંકડો આવ્યો ક્યાંથી સરકારની વેબસાઇટ ઉપર તો 12,82,550 ખેડૂતો નોંધાયેલા છે

તેમણે કહ્યું કે 2050 કરોડનો પાક વીમો આપવાનો પ્રચાર કરો છો પણ પાક વીમા પ્રીમિયમ પેટે ખાનગી કંપનીઓને 3200 કરોડ ચૂકવ્યા એ કેમ જાહેર નથી કરતા? ગુજરાતમાંથી 3200 કરોડ વીમા પ્રીમિયમ ઉઘરાવ્યું એના 70% પાક વીમા પેટે આપી અને પ્રચાર શા માટે કરવામાં આવી રહ્યો છે?

તેમણે વધુમાં કહ્યું કે જો સાચો પાકવીમો આપ્યો હોત તો 2050 કરોડ નહી પણ લગભગ 8000 થી 10,000 કરોડ પાકવીમો ચુકવવાની નોબત આવત પરંતુ 8 – 10 હજાર કરોડ ચુકવવાની જગ્યાએ માત્ર 2050 કરોડ ચૂકવી સરકાર ખાનગી વીમા કંપનીઓને બચાવી રહી છે.

પાલભાઈ આંબલીયાએ અંતે કહ્યું કે  કપાસ અને એરંડા લાંબા ગાળાના પાક છે, એમાં ના નહિ, પરંતુ પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં દરેક બાબતની ડેડ લાઈન નક્કી કરેલી છે જે મુજબ કપાસના ક્રોપ કટિંગના પત્રકો મોડામાં મોડા 31 માર્ચ સુધીમાં જમા કરાવવાના હોય છે ને ત્યાર પછી તાત્કાલિક પાકવીમો ખેડૂતોને આપવાનો હોય છે તો લાંબા ગાળાના પાકના બહાના હેઠળ ભોળા ખેડૂતોને છેતરવાનું બંધ કરવામાં આવે.