ભારતનું એક એવું રાજ્ય જ્યાં હશે પાંચ પાંચ ડેપ્યુટી CM

આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુને ધોબી પછાડ આપ્યા બાદ મુખ્યમંત્રી બનેલા જગન રેડ્ડીએ એક કે બે નહીં પણ પાંચ પાંચ મુખ્યમંત્રી નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ ડેપ્યુટી સીએમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, લઘુમતિ અને કાપૂ સમાજમાંથી નિયુક્ત કરવામાં આવશે. રેડ્ડીએ શુક્રવારે વિધાનસભા પક્ષની મીટીંગમાં આ જાહેરાત કરી હતી.

દેશમાં આ પહેલી વાર હશે જ્યાં કોઈ મંત્રી મંડળમાં પાંચ પાંચ ડેપ્યુટી સીએમ હશે. પાંચ ડેપ્યુટી સીએમ પૈકી બે ડેપ્યુટી સીએમ ચંદ્રબાબુ નાયડૂ સરકારના પૂર્વ મંત્રી પદે રહી ચૂક્યા છે. બન્ને નેતાઓ પછાત વર્ગ અને કાપૂ સમાજમાંથી આવે છે.

સીએમ જગન રેડ્ડીના નિર્ણયનું સમર્થન વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્ય મહોમ્મદ મુસ્તુફા શેખે કર્યું છે. શુક્રવારે તડેપલ્લીમાં મુખ્યમંત્રી કેમ્પ કાર્યાલયમાં આયોજિત બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. વિધાનસભા પક્ષની બેઠકને સંબોધિત કરતા જગન રેડ્ડીએ કહ્યું કે લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓની પસંદગી કરવામાં આવશે. 25 મંત્રીઓ સાથેની કેબિનેટની આવતીકાલે શપથવિધિ કરવામાં આવશે.

મુખ્યમંત્રી રેડ્ડીએ સવારે પોતાના નિવાસે વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકને સંબોધન કર્યું હતું. જગન રેડ્ડીએ સ્પષ્ટ કર્યું કે મંત્રી મંડળમાં કમજોર અને પછાત વર્ગના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખવામાં આવશે. રેડ્ડીએ એ પણ સાફ કર્યું કે સરકારના પ્રદર્શન અંગે અઢી વર્ષ સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ મંત્રી મંડળની ફેરરચના પણ કરવામાં આવશે.

તેમણે લોકોની ફરીયાદો તરફ ધ્યાન આપવા ધારાસભ્યોને તાકીદ કરી હતી. લોકોને પાછલી સરકાર અને હાલની સરકાર વચ્ચે ફરક જોવા મળવો જોઈએ તે જરૂર હોવાનું જગન રેડ્ડીએ જણાવ્યું હતું. હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાયએસઆર કોંગ્રેસે 175 સીટમાંથી 151 સીટ પર વિજય મેળવ્યો છે. શપથ ગ્રહણ કર્યા બાદ જગન રેડ્ડીએ વૃધ્ધોના પેન્શનમાં બે હજાર રૂપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત ગ્રામ સચિવાલયમ્સમાં ચાર લાખ ગ્રામ સેવકોની ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.