પાણીની શોધમાં નીકળેલી દિપડી વીજ ટ્રાન્સફોર્મર ચઢી ગઈ પણ અંતે મળ્યું મોત, અઢારેય નખ સલામત

તાલાલાના જંગલમાંથી પાણીની શોધમાં નીકળેલી દિપડીનું કરંટ લાગતા મોત થયું હતું. ઘટના અંગે તાલાલાના આરએફઓ ભરત બિમલે ફોટા સાથે વિગતો આપતા જણાવ્યું કે પાણી અથવા તો અન્ય કોઈ કારણોસર દિપડી જંગલમાંથી માનવ વસ્તીમાં આવી ચઢી હોવાની સંભાવના છે અને જાન બચાવવા કે આશરો મેળવવા માટે દિપડી વીજ ટ્રાન્સફોર્મર પર ચઢી ગઈ હતી. વીજ ટ્રાન્સફોર્મર પર ચઢેલી દિપડીને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું.

ઘટના અંગે સરમણભાઈ દેવશીભાઈ ગરેજાના ખેતર નજીકના વીજ થાંભલા પર મૃત્યુ પામેલી હાલતમાં દિપડી મળી આવી હતી. દિપડીના મોત અંગે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ભીમભાઈ વાળાએ જંગલ ખાતાને જાણ કરી હતી. ચારથી પાંચ વર્ષની દિપડીની ઉંમર હોવાનો અંદાજ છે. મહત્વની વાત એ છે કે વીજ કરંટ લાગ્યા બાદ પણ દિપડીના અઢારે અઢરા નખ સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે કે નખ કે અન્ય કોઈ કારણોસર દિપડીને મારી નાંખવામાં આવી હોવાની આશંકાને જંગલ ખાતાએ નકારી કાઢી છે.