બેટ દ્વારકાની દરગાહમાં દર્શન કરવા ગયેલા બે યુવકો તણાયા, ઈદની ખુશી માતમમાં પલટાઈ

સૌરાષ્ટ્રમાં આવેલા બેટ દ્વારકા ખાતેની દરગાહમાં દર્શન કરવા ગયેલા બે યુવકો નહાવા માટે દરીયામાં ઉતર્યા હતા ત્યાર બાદથી તેમનો કોઈ પતો મળી રહ્યો નથી. મોજાઓ એટલા પ્રચંડ હતા કે બન્ને યુવકો કિનારાથી દુર થઈ ગયા હતા. મરીન પોલીસે ત્રણ બોટ સાથે યુવકોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પરંતુ કલાકો બાદ પણ તેમની કોઈ ભાળ મળી નથી. બીજી તરફ ઈદના ખુશીના અવસરે સંતાનો ધરે પરત નહીં ફરતા ઈદનો આનંદ માતમમાં પલટાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જેતપુરના જેતલસર ગામમાં રહેતા 23 વર્ષીય નિઝામશા હનીફશા મદાર પાડોશીના 17 વર્ષીય પુત્ર રજત સિકંદર બલોચ સાથે બેટ દ્વારકા ખાતે આવેલી હાજી કિરમાણીની દરગાહે પરિવાર સાથે સલામ કરવા માટે આવ્યા હતા. સવારે ટ્રેન મારફત આવેલા બન્ને યુવક નહાવા માટે દરીયામાં ડૂબકી લગાવવા ગયા હતા. પરંતુ ઉંડા પાણીમાં બન્ને યુવક તણાઈ રહ્યા હતા અને લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બન્નેને બચાવવાના પ્રયાસો પ્રચંડ મોજાઓના કારણે નિષ્ફળ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક મરીન પોલીસને જાણ કરી હતી,

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ બોટ સાથે યુવકોનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું પરંતુ મોડી સાંજ સુધી બન્ને યુવકનો પતો લાગ્યો ન હતો. લાંબો સમય વીતી જતા પોલીસે બન્નેના મોતની આશંકા દર્શાવી છે.

સંતાનો દરિયાના પાણીમાં તણાઈ જતા પરિવારજનો પર માતમ છવાઈ ગયો છે. હાજી કિરમાણીની દરગાહ ખાતે પાણી બહું ઉંડું હોવાથી નહાવા પર પ્રતિબંધ છે છતાં કેટલાક લોકો પ્રતિબંધની ઐસી તૈસી કરી મોતને ગળે લગાડી રહ્યા છે. આ યુવકોએ પણ પ્રતિબંધ હોવા છતાં નહાવા ગયા અને પાણીમાં તણાઈ જતા પરિવારજનો પર આફત ઉતરી પડી છે.