દાઉદના ભાઈની હાલત ખરાબ, જાણો શું થયું

દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરને કોણી અને ઘૂંટણમાં સોજો તથા દુખાવાની ફરીયાદના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. થાણેની કોર્ટે સેન્ટ્રલ જેલના અધિકારીઓને ઈકબાલ કાસકરને મુંબઈની જેજે હોસ્પિટલ અથવા સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. દરમિયાનમાં એવા પણ રિપોર્ટ મળી રહ્યા છે કે ઈકબાલ કાસકર સાથે જેલમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

ઈકબાલ કાસકરને થાણે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા 2018ના જાન્યુઆરી મહિનામાં બિલ્ડર અને વેપારીઓને ખંડણી માંગવાના કેસમાં પકડી લીધો હતો. પોલીસ દાઉદ, તેના ભાઈઓ અનીસ અને ઈખબાલ કાસકરને આરોપી બનાવ્યા હતા. બિલ્ડરની ફરીયાદના આધારે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

બિલ્ડરની ફરીયાદ અનુસાર ઈકબાલ કાસકરે ગોરાઈ વિસ્તારમાં આવેલી 38 એકર જમીનનો સોદાના વિવાદમાં બિલ્ડરને ધમકી આપી હતી અને ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. પોલીસે ચાર્જશીટમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યા છે. આમાં સાક્ષીઓની જૂબાની પણ સામેલ છે. તમામ આરોપીઓની સામે આઈપીસીની કલમ 384, 386 અને 387 પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો હતો, આ ઉપરાંત પોલીસે ઈકબાલ કાસકરને અન્ય એક બિલ્ડરની ફરીયાદના આધારે 30 લાખ રૂપિયા અને ચાર ફલેટની ખંડણીના કેસમાં જેલ ભેગો કર્યો હતો.