વલસાડ નગરપાલિકામાં ભાજપના કોર્પોરેટરોનો અસંતોષ અને નારાજગી અટકવાનું નામ લેતી નથી. ખુદ ભાજપના કોર્પોરેટરોના કામ થતા ન હોવાની ફરીયાદ વચ્ચે આજે મળેલી માસિક સામાન્ય સભામાં અજબ રીતે ભાજપના કોર્પોરેટર ઉજેશ પટેલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપના પ્રમુખ કે ચીફ ઓફીસર ચૂપચાપ તમાશો જોતાં નજર પડ્યા હતા.
ભાજપના કોર્પોરેટર ઉજેશ પટેલ પોતાના મોઢા પર પટ્ટી બાંધી સામાન્ય સભામાં આવી પહોંચ્યા ત્યાર ભાજપ સહિત કોંગ્રેસ તથા અન્ય કોર્પોરેટરોને આશ્ચર્ય થયું અને કુતુહલવશ ઉજેશ પટેલને પૂછવામાં આવતા ઉજેશ પટેલે પોતોના વિસ્તારના કામો થતા ન હોવાની ફરીયાદ કરી હતી. પોતાના વિસ્તારની ફરીયાદોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું ન હોવાથી ઉજેશ પટેલ રમકડા પણ સાથે લઈને આવ્યા હતા.
એક તરફ સામાન્ય સભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ઉજેશ પટેલ દ્વારા ટીબડીક, ટીબડીક ઘોડાની રમત રમી હતી. ચાવીથી ઘોડાને સામાન્ય સભાના ટેબલ પર રમતા તેઓ જોવા મળ્યા હતા અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો.