પંજાબ કોંગ્રેસમાં કમઠાણ, સિદ્વુએ કર્યો કેબિનેટ બેઠકનો બોયકોટ, કેપ્ટન સામે ફૂંક્યો વિરોધનો બૂંગિયો

પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્વુએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંગ વિરુદ્વ વિરોધનો બૂંગિયો ફૂંકી દીધો છે. સિદ્વુએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં હાર માટે માત્ર હું જવાબદાર નથી. કેબિનેટ બેઠકમાં સામેલ નહીં થવા અંગે સિદ્વુએકહ્યું કે હું એક માત્ર મંત્રી છું જેમને સરકારમાં કોઈ પણ રીતે ધ્યાને લેવામાં આવી રહ્યા નથી.
મીડિયા સાથે વાત કરતા સિદ્વુએ કહ્યું કે મને બે સીટની જવાબદારી સોંપવામાં આવી હતી અને બન્ને સીટ પર કોંગ્રેસ જીતી છે. ભટીંડાની સીટ પર થયેલી હાર માટે મને જવાબદાર ઠેરવવામાં આવે છે પણ આ સરાસર ખોટું છે. ઘણા કેબિનેટ મંત્રીઓ મારું રાજીનામું ઈચ્છી રહ્યા છે. કેપ્ટન પણ હાર માટ મને જ જવાબદાર માની રહ્યા છે, પણ હકીકતમાં આ તો તમામની જવાબદારી છે.

સિદ્વુએ કહ્યું કે મારા વિભાગને ટારગેટ કરવામાં આવી રહ્યો છે. દરેક વસ્તુને યોગ્ય રીતે પારખવાની ક્ષમતા હોવી જોઈએ. મારો ફાયદો ઉઠાવવાની જરૂર નથી. હું એક કલાકાર છું અને પંજાબના લોકો પ્રતિ જવાબદારી છે.

આજે મળેલી કેબિનેટ બેઠકમાં સિદ્વુએ જવાનું માંડી વાળતા અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી. આ ઉપરાંત 30મી મેનાં રોજ સીએમ અમરિંદરસિંગ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પણ સિદ્વુ હાજર રહ્યા ન હતા. કેપ્ટને આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને સિદ્વુને બેઠકમાં બોલાવાયા હતા કે નહીં તેની તપાસ સોંપી હતી.

લોકસભાની ચૂંટણીમાં પંજાબની 13 સીટમાંથી કોંગ્રેસને 8, અકાલી દળ-ભાજપને 4 અ આમ આદમી પાર્ટીને એક સીટ મળી હતી. ચૂંટણીના પરિણામો બાદ સીએમ અમરિંદરસિંગે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના નુકશાન માટે સિદ્વુને જવાબદાર ઠેરવ્યો હતો. કેટલાક મંત્રીઓએ એમ પણ કહી દીધું છે કે જો સિદ્વુ કેપ્ટનના નેતૃત્વમાં કામ નહીં કરવા માંગતા હોય તો રાજીનામું આપી દે. આમ બન્ને વચ્ચે ઉંડી ખાઈ પડી ગઈ છે.