બેન્ક ઓફ બરોડાએ ભાજપ યુવા મોરચના પ્રમુખને ડિફોલ્ટર જાહેર કર્યો

બેન્ક ઓફ બરોડાએ મુંબઈ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ મોહિત ભારતીયનો ફોટો છાપામાં પ્રસિદ્વ કરી વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યો છે. બેન્કના જણાવ્યા પ્રમાણે અવ્યાન ઓર્નામેન્ટ્સ પ્રોઈવેટ લિમિટેડ કંપનીએ બેન્કની લોન ભરપાઈ કરી ન હતી. મોહિત ભારતીય અને જિતેન્દ્ર કપૂરે ખુલાસો કરતા કહ્યું કે તેઓ કંપનીમાં પાર્ટનર નથી. અને લોન માટેના ગેરંટર તરીકે હતા. આ ઉપરાંત પાછલા બે વર્ષમાં પોતાના ભાગના 76 કરોડ રૂપિયા પણ બેન્કમાં જમા કરાવ્યા છે, તેમ છતાં બેન્કે તેમનો ફોટો પ્રસિદ્વ કરી બદનક્ષી કરી છે અને આ અંગે તેઓ હવે કેસ કરશે.

મોહિત ભારતીયે પત્રમાં લખ્યું છે કે 2014માં આ મામલે લોઅર કોર્ટમાં બેન્ક ઓફ બરોડા કેસ હારી ચૂકી છે અને આ બધું ઓન રેકોર્ડ છે. બેન્કે જે કંપનીનો ઉલ્લેખ કર્યો છે અને મારો ફોટો પ્રસિદ્વ કર્યો છે તે કંપનીનો હું પ્રમોટર ન હતો,માત્ર પર્સનલ ગેરંટર હતો. પર્સનલ ગેરંટર રૂપે કોર્ટનો ચૂકાદો પણ મારી ફેવરમાં આવ્યો છે. જો બેન્ક સાબિત કરી આપે કે મારી લોન બાકી છે તો હું પાઈ-પાઈ ચૂકવવા તૈયાર છું.