અમેઠીમાં રાહુલ ગાંધી કેમ હાર્યા, આ રહ્યા કારણો

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પાર્ટીની અંદર ભારે ઉથલ પાથલ ચાલી રહી છે અને એક પછી એક મીટીંગ યોજાઈ રહી છે. સૌથી વધુ ચર્ચા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની અમેઠીની હારની કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીની હારના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને બે સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવી છે. જેમાં કોંગ્રેસના મંત્રી ઝૂબેર ખાન અને કે.એલ.શર્માને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ બન્ને સભ્યોએ પ્રારંભિક રિપોર્ટમાં રાહુલ ગાંધીની હારના જે કારણો આપ્યા છે તેમાં સપા અને બસપા દ્વારા રાહુલ ગાંધીને મદદ કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું છે. સપા અને બસપાના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્વ કામ કર્યું હોવાથી વોટનો મોટો જથ્થો ભાજપને મળ્યો. 2014ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને 4.08 લાખ વોટ મળ્યા હતા જ્યારે આ વખતે 2014 કરતાં વધુ વોટ એટલે  કે 4.13 લાખ વોટ મળ્યા હતા, છતાં પણ રાહુલ ગાંધી હારી ગયા છે.

ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55 હજાર વોટથી હાર આપી છે. અમેઠીના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્ર મિશ્રાએ સપા બસપા અંગેના આરોપોનું સમર્થન કરતા કહ્યું કે બન્ને પાર્ટીઓએ કોંગ્રેસને મદદ કરી ન હતી. જ્યારે સપા અને બસપાના નેતા માયાવતી અને અખિલેશ યાદવે કોંગ્રેસને સપોર્ટ  કરવાની જાહેરાત કરી હતી. સપાના પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિના પુત્ર અનિલ પ્રજાપતિએ ખુલ્લેઆમ સ્મૃતિ ઈરાનીનો પ્રચાર કર્યો હતો. ગૌરીગંજના સપાના ધારાસભ્ય રાકેશ સિંહ પણ બ્લોક પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યોને બચાવવા માટે ભાજનપનો સાથ આપ્યો હતો. જોકે, રાકેશ સિંહે આ આક્ષેપોને ફગાવ્યા છે.

રાહુલ ગાંધીને અમેઠીના ચાર વિધાનસભા વિસ્તારોમાં લીડ મળી ન હતી. જેમાં ગૌરીગંજની લીડ સૌથી વધુ હતી. ગૌરીગંજમાં 18 હજાર વોટથી રાહુલ ગાંધી પાછળ રહ્યા હતા. તિલાઈ, જગદીશપુર અને સલોનમાં પણ રાહુલ ગાંધી પછડાયા હતા. બન્ને સભ્યોની કમિટીએ ગૌરીગંજ અને તિલોઈમાં પાર્ટી કાર્યકર્તાઓના અભિપ્રાય જાણ્યા હતા હવે આ બન્ને સભ્યો જગદીશપુર, સલોન અને અમેઠીમાં પાર્ટીના કાર્યકરોને મળશે. અંતિમ રિપોર્ટ કોંગ્રેસ કારોબારીને આવતા સપ્તાહે સોંપવામાં આવશે.