સુરતમાં તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ સર્જાયો અને તેમાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને કસૂરવાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ફાયર બ્રિગેડના બે અધિકારીઓની ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય અધિકારીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકાના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર તક્ષશિલાનું નિર્માણકાર્ય જ્યારે સરથાણા સુરત મહાનગરપાલિકાની હદમાં ન હતો ત્યારે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની હદમાં સરથાણાનો સમાવેશ આજથી દસેક વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઈમ્પેક્ટ ફીની ફાઈલ પર ભાજપના નેતાની ભલામણનો પત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચર્ચા મુજબ આ લેટર પાલિકાના અધિકારીએ ફાઈલમાંથી ગૂમ કરી દીધો છે અને હાલ ફાઈલમાંથી પણ કેટલાક કાગળીયા ગાયબ કરી દેવામાં આવ્યા હોવાનું મનાય રહ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ આ અધિકારીની આકરી પૂછપરછ કરશે તો મહત્વની માહિતી મળી શકે એમ છે અને નવા ખુલાસા પણ થઈ શકે તેમ છે. ક્રાઈમ બ્રાન્ચે બેથી ત્રણ વખત અગ્નિકાંડની ઘટના બાદ ફાઈલ અંગે શંકાસ્પદ કામગીરી કરનાર અધિકારીની પૂછપરછ કરી છે. હાલ પોલીસે તપાસ અંગે વિશેષ કશું કહ્યું નથી પણ તપાસ ધમધોકાર ચાલી રહી હોવાનું જાણવા મળ રહ્યું છે.