સુરત અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક, કરી મહાનગર પાલિકાની અરજન્ટ બોર્ડ મીટીંગની માંગ

સુરતના તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે 22 ભૂલકાઓના જીવ ગયા ત્યારે સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તક્ષશિલા મામલે સુરત મહાનરગપાલિકાની અરજન્ટ બોર્ડ મીટીંગ બોલાવવાની માંગ કરવામાં આવી હોવાનું પાલિકાની વિપક્ષ નેતા પપ્પન તોગડીયાએ જણાવ્યું છે.

પપ્પન તોગડીયાએ જણાવ્યું કે મે મહિનાની બોર્ડ મીટીંગમાં બાળકોને શ્રધ્ધાંજલિ આપી માસિક સામાન્ય સભા સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસે માત્ર તક્ષશિલા મામલાની ચર્ચા કરવા અરજન્ટ સામાન્ય સભાની માંગ કરી છે. સામાન્ય સભા બોલાવવા માટે 25 ટકા સભ્યોની જરૂર હોય છે તો કોંગ્રેસે 29 કોર્પોરેટરોની સહી સાથે તાકીદની સામાન્ય સભા બોલાવવા માટે મેયર સમક્ષ માંગ કરી છે.

અત્રે નોંધનીય છે કે ભાજપની સ્ટેડીંગ કમીટીના પાંચ સભ્યોએ નિયમોનુસાર તાકીદની સભા બોલાવવા માંગ કરી છે. સ્ટેડીંગ કમીટીના પાંચ સભ્યો માંગ કરે તો સામાન્ય સભા બોલાવવાની મેયરને ફરજ થઈ જાય છે તેવો નિયમ છે અને નિયમ પ્રમાણે સ્ટેડીંગ કમીટીના પાંચ સભ્યો અરજન્ટ બોર્ડની માંગ કરી છે. આમ કોંગ્રેસની સાથો સાથ ભાજપના સભ્યોએ પણ માત્ર અને માત્ર તક્ષશિલા મામલે પાલિકાની સામાન્ય સભાની માંગ કરી છે.  

પપ્પન તોગડીયાએ કહ્યું કે માત્ર તક્ષશિલા જ નહીં પણ ભાજપના 23 વર્ષના શાસનમાં સુરતમાં ઉભા કરવામાં આવેલા દરેક ગેરકાયદે બાંધકામો અંગેનો ચિતાર માંગવમાં આવશે. સુરત મહાનગરપાલિકામાં ભાજપ પાછલા 23 વર્ષથી સત્તા સ્થાને છે અને સુરતમાં વારંવાર આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે તેનો ભાજપ શાસકો પાસેથી જવાબ માંગવામાં આવશે.