માત્ર ચાર મહિના પહેલાં જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને કોંગ્રેસ સત્તારૂઢ થઈ હતી પરંતુ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ રીતે પોતાની આબરૂ બચાવી શકી નથી. કોંગ્રેસના બેશરમ નેતાઓ દોષારોપણમાં પડ્યા છે. રાહુલ ગાંધી રાજીનામું પાછું નહીં ખેંચવા મામલે અડગ છે ત્યારે સિનિયર કોંગ્રેસી નેતાઓએ ગાંધી પરિવારમાં જ પલિતો ચાંપવાનું કામ કર્યું અને પ્રિયંકા ગાંધીનું નામ પ્રમુખ પદે આગળ ધર્યું કે તરત જ રાહુલ ગાંધીએ નોન ગાંધીને પ્રમુખ બનાવવા પર ફરી એક વાર મક્કમતા દર્શાવી છે.
કોંગ્રેસના ચાણક્ય મનાતા અહેમદ પટેલને રાહુલ ગાંધીએ એક વખત કોરાણે મૂકી દીધા હતા ત્યાર બાદ સોનિયા ગાંધીની મધ્યસ્થીના કારણે અહેમદ પટેલને ફરી સંગઠનમાં ખજાનચી બનાવાયા. કોંગ્રેસમાં અહેમદ પટેલની છાપ કોંગ્રેસના ચાણક્યની છે. તો આ ચાણક્યની કર્ણધારીમાં ગુજરાતમાં બીજી વાર કોંગ્રેસની 26માંથી 26 સીટ ભાજપ જીતી ગયો અને રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યા. તો યુપીમાં પ્રિયંકા ગાંધીને સક્રીય કરી કોંગ્રેસે ગઠબંધનની ઓછામાં ઓછી પંદર સીટ પર ડેમેજ કર્યુ છે. ઉપરછલ્લી રીતે ઉદાહરણ આપીએ તો વરુણ ગાંધીની સીટ, મેરઠની સીટમાં કોંગ્રેસે ગઠબંધનને નુકશાન કર્યું છે. પ્રિયંકા ગાંધીની એ વાત પણ નરી હાસ્યાસ્પદ સાબિત થઈ છે કે યુપીમાં કોંગ્રેસે ભાજપને નુકશાન થાય તેવા ઉમદેવાર પસંદ કર્યા છે પણ ખરેખર તો કોંગ્રેસના કારણે ભાજપને ફાયદો થયો છે અને ગઠબંધનને નુકશાન થયું છે. પ્રિયંકા ગાંધીનો યુપીમાં ફ્લોપ શો રહ્યો, કોંગ્રેસે આશ્વસન લેવાનું રહે છે કે વોટ રેશિયો થોડો ઘણો વધ્યો. પ્રિયંકા ગાંધીના લોચીંગ અંગે કોંગ્રેસ ઊંધા માથે પછાડાઈ છે.
સોશિયલ મીડિયામાં અહેમદ પટેલ અંગે ખુદ કોંગ્રેસીઓ ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ અહેમદ પટેલ હટાવોનો મારો શરૂ કર્યો છે અને લખ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસમાંથી અહેમદ પટેલને નહીં હટાવાયા ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય પણ ગુજરાત તો શું હવે દેશમાં પણ જીતી શકે એમ નથી.
આખું ઈલેકશન રાહુલ ગાંધી એકલા હાથે લડ્યા અને પાછળની સેના ગાયબ હતી અથવા તો એવું કહી શકાય કે રાહુલ ગાંધીની પથારી ફેરવાવા માટેના તખ્તો ગોઠવતી હતી. માત્ર ચાર મહિના પહેલાં જ્યાં સરકારો બની હોય ત્યાં કોંગ્રેસની સમખાવા પુરતી પણ સીટો ન આવે તો સીધી રીતે કહી શકાય કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓની કાર્યશૈલીથી પ્રજા નારાજ છે અને કોંગ્રેસને તેમનો ફાયદો મળ્યો નથી. અશોક ગેહલોત અને કમલનાથ બન્ને નિષ્ફળ મુખ્યમંત્રી પુરવાર થયા છે.
સિનિયર કોંગ્રેસી નેતાઓની એક ઘરી છે અને આ ધરી રાહુલ ગાંધી વિરુદ્વ લાંબા સમયથી સક્રીય છે. સોનિયા ગાંધી પાસે જઈને સિનિયર કોંગ્રેસીઓ કાનભંભેરણી કરીને પોતાનું ધાર્યું કરાવતી રહી છે. અહેમદ પટેલ ગાંધી પરિવારના નજીક રહ્યા પણ તેઓ ન તો ગુજરાતમાં પોતાનો કરિશ્મો બતાવી શક્યા ન તો પોતાના જૂના મિત્રો અને રાજકીય સાથીઓ અશોક ગેહલોત કે કમલનાથ પાસે કોંગ્રેસની આબરૂને બચાવી શક્યા. સ્થિતિ એ આવીને ઉભી કરી દીધી છે કે જો રાજસ્થાન અને એમપીમાં સીએમ બદલવાનું થાય તો મોટો ભડાકો થઈ શકે. રાહુલ ગાંધીને આ ભડાકાથી ડરાવી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં અહેમદ પટેલ પોતાની રાજ્યસભાની સીટ બચાવી શકવામાં મરણિયા બન્યા હોય તો તેઓ લોકસભામાં કોંગ્રેસની એકેય સીટ માટે મરણિયા બનતા દેખાયા નથી. ફરી એક વાર અહેમદ પટેલની ચાણક્યગીરી ચાલી નથી અને અહેમદ પટેલ ભાજપના 25 વર્ષથી ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના વિજય રથને અટકાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે. જૂથબંધીના કારણો આગળ ધરી બધો ઠીકરો પ્રદેશ નેતાગીરી પર ઢોળી પોતાની કફની બચાવી લેવામાં આવી રહી છે. અહેમદ પટેલની કાર્યપદ્વતિથી ખફા ચાલી રહેલા કોંગ્રેસીએ હવે સાગમટે અન્ય વિકલ્પની શોધમાં પડી ગયા છે.
હવે કેન્દ્રમાં સ્થિતિ એ છે કે આવાનાર 25 વર્ષ સુધી કોંગ્રેસ ભાજપને દિલ્હીના શાસન પરથી હટાવી શકશે નહી અને રાહુલ ગાંધી 75 વર્ષના થઈ જાય તો પણ પીએમ બની શકશે નહીં. કોંગ્રેસનું અચ્યુત્તમ કેશવમ થવાની આ ફાઈનલ ચાલી રહી છે.