રાષ્ટ્રપતિ ભવનમાં દબદબાભેર સમારંભમાં બિન કોંગ્રેસી વડાપ્રધાન તરીકે બીજીવાર શપથ ગ્રહણ કરી નરેન્દ્ર મોદીએ ઈતિહાસ રચ્યો છે. વડાપ્રધાન મોદીએ હિન્દીમાં શપથ ગ્રહણ કર્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદે તેમને અભિનંદન આપ્યા હતા. સમગ્ર હોલમાં તાળીઓના ગડગડાટથી પીએમ મોદીને વધાવી લેવામાં આવ્યા હતા. મોદી પ્રધાન મંડળમાં જૂના જોગીઓની સાથે અનેક નવા ચહેરા જોવા મળવના છે. ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની કેન્દ્રીય મંત્રી મંડળમાં એન્ટ્રી થઈ છે. અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપત ગ્રહણ કર્યા હતા.
વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે શપથવિધિ સમારોહ પહેલાં 6 કલાક મેરથોન મીટીંગ ચાલી હતી. અમિત શાહે પીએમ મોદીની સાથે શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાતની મોદી સરકારમાં અમિત શાહ ગૃહ રાજ્યમંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. કેન્દ્રમાં ફરી એક વાર મોદી અને શાહની જોડી સરકારમાં જોવા મળવાની છે.
હવે મોદી સરકારમાં અમિત શાહને નાણા મંત્રાલય મળવાની સંભાવના છે. આ ઉપરાંત રાજનાથસિંહને ગૃહ અને નિર્મલા સીતારમણને ફરી એક વાર રક્ષા મંત્રાલયમાં યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. નાણા મંત્રી અરુણ જેટલીએ પોતાની તબિતય ખરાબ રહેતી હોવાથી મંત્રી મંડળમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારથી અમિત શાહની મોદી કેબિનેટમાં એન્ટ્રી થવાના નિર્દેશ મળી રહ્યા હતા.