સુરતના અગ્નિકાંડ બાદ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. આ પીટીશનમાં પ્રાઈવેટ ટ્યુશન-કોચીંગ ક્લાસીસને લઈ કેન્દ્ર સરકારને નીતિ-નિયમો ઘડવા માટેના દિશા નિર્દેશ આપવાની અરજ કરવામાં આવી છે. એડ્વોકેટ પવન પ્રકાશ પાઠક દ્વારા દાખલ કરવામાં આવેલી પીટીશનમાં સુરતના ટ્યુશન ક્લાસીસમાં 22 બાળકોના મોતના પગલે પીટીશન દાખલ કરી કોચીંગ ક્લાસીસ માટે નવેસરથી નિયમો ઘડવાની માંગ કરવામાં આવી છે.
પીટીશનમાં જણાવાયું છે કે ભણતર માટે વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારીનું હનન કરવામાં આવી રહ્યું છે અને કોચીંગ ક્લાસીસ તથા ટ્યુશન કલાસીસ ઉભા કરી સમાંતર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ભણવા માટે ધકેલવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સલામતીના પગલા જરૂરી બન્યા છે.
પીટીશનમાં જણાવ્યા પ્રમાણે મોટાભાગના ટ્યુશન ક્લાસીસ ગેરકાયદે રીતે ચાલી રહ્યા છે. ખાસ કરીને ફી અને સલમાતીના પાસાઓ સુસંગત ન હોવાથી તે માટે કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ચોક્કસ ગાઈડ લાઈન આપવામાં આવે તે જરૂર બન્યું છે. કોચીંગ ક્લાસીસમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ તથા પોતાના બાળકોને કોચીંગ ક્લાસીસમાં ભણવા માંગતા વાલીઓ માટે સુચારી રીતે કોચીંગ ક્લાસીસને નિયમીત કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે.
પીટીશનમાં જણાવાયું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરવાના બદલે કોચીંક ક્લાસીસમાં ભણવા માટે પ્રેશર કરવામાં આવે છે. મિડલ ક્લાસના લોકો પોતાની પગારનો 1/3 ખર્ચ બાળકોને પ્રાઈવેટ કોચીંગ ક્લાસીસમાં ભણવા પાછળ કરી રહ્યા છે. સ્કૂલ ટીચર્સ દ્વારા પણ બાળકોને ટ્યુશન કરવા મજબૂર કરવામાં આવે છે. 80 ટકા વાલીઓ માટે કોચીંક ક્લાસીસનો ખર્ચ ભોગવવો મુશ્કેલ બની રહે છે. કોચીંગ ક્લાસીસમાં ફીના નામે પણ ઉઘાડી લૂંટ કરવામાં આવે છે.
એસોચેમના આંકડા જણાવે છે કે 87 ટકા પ્રાયમરીના બાળકો તથા 95 ટકા હાયર સેકન્ડરીના બાળકો સ્કૂલ કરતાં પ્રાઈવેટ ટ્યુશનમાં વધુ ભણી રહ્યા છે. બંધારણની કલમ 12ના દાયરામાં કોચીંગ ક્લાસીસ પણ આવી જાય છે. જેથી કરીને પ્રાઈવેટ ટ્યુશન અંગે ચોક્કસ ગાઈડ લાઈન માટે પીટીશનમાં માંગ કરવામાં આવી છે.