હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશની ત્રિપુટી થઈ વેરણછેરણ, કોંગ્રેસને નુકશાન, ભાજપને ફાયદો

ગુજરાત ભરમાં આંદોલનની આહલેક જગાવીને રાજકીય ક્ષિતિજે ઉગમણી દિશામાં વિસ્તરેલી અને રાષ્ટ્રીય સ્તરે લાઈમ લાઈટમાં આવેલી ગુજરાતની ત્રિપુટી નામે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર હવે વેરણછેરણ થઈ ગયા છે. ત્રિપુટીમાં તિરાડ નહીં પણ ખાઈ પડી ગઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને ત્યાર બાદ મહાનગરપાલિકાની ચૂંટણી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ત્રિપુટી સારવણી પર ચઢીને કોંગ્રેસે સત્તાના નવા સમીકરણો અંકિત કરવાના શરૂ કર્યા હતા પણ પ્રથમ ગ્રાસે પાસ થયા બાદ આ દ્વિતીય કસોટીમાં આ ત્રિપુટીને કોંગ્રેસ સાચવી શકવામાં નિષ્ફળ પુરવાર થઈ હોવાનો એકરાર કોંગ્રેસીઓ ખાનગીમાં તો કરે છે પણ જાહેરમાં કરતા ક્ષોભ અનુભવે છે. કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામા આપ્યા બાદ સામે પક્ષે ભાજપે અલ્પેશ માટે લાલ જાજમ પાથરી દીધી છે. કોંગ્રેસના નેતાઓ હવાતીયા મારી રહ્યા છે કે અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ થાય પણ કાયદો સ્પષ્ટ છે કે જ્યાં સુધી વિધાનસભાની ફ્લોર પર કોંગ્રેસના વ્હીપની વિરુદ્વ અલ્પેશ ઠાકોર કોઈ કામ ન કરે ત્યાં સુધી ધારાસભ્ય પદ જવાનું નથી છતાં પોતાના અહમને સંતોષવા અને અલ્પેશ પર પ્રેશર ટેક્ટિસ અપનાવી કોંગ્રેસના નેતાઓએ બુદ્વિનું દેવાળું જ ફૂંક્યું છે.

આખીય લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ટેકાથી ચૂંટાયેલા અને દલિત યુવા નેતા જિગ્નેશ મેવાણી ગુજરાતથી દુરના દુર જ રહ્યા છે, ઉલ્ટાનું બિહારમાં કનૈયાકુમારના પ્રચારમાં વધુ રોકાયેલા રહ્યા. કોંગ્રેસના નેતાઓમાં અક્કડ એટલી બધી છે કે યુવાઓ તરફ સંપૂર્ણપણે અદેખાઈ કરવામાં આવે છે. જિગ્નેશ મેવાણીનો જોઈએ તેનો ઉપયોગ કોંગ્રેસ કરી શકી નહીં.

હવે વાત હાર્દિક પટેલની તો હાર્દિક પટેલનો કોંગ્રેસ સ્ટાર પ્રચારકમાં સમાવેશ કર્યો અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના લોકસભાન વિસ્તારોમાં પ્રચારની કમાન સોંપી. પણ હાર્દિકને પણ કોંગ્રેસના નેતાઓ દિલથી સ્વીકારવા તૈયાર નથી. જે હાર્દિકના કારણે પાટીદાર ફેક્ટર કોંગ્રેસની તરફેણમાં ઉભું થયું તેનો લાભ લેવાઈ ગયો પણ હાર્દિકને કોંગ્રેસના માણસ તરીકે સ્વીકૃતિ આપવા સિનિયર કોંગ્રેસીઓ કે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ બિલ્કુલ પણ રાજી નથી. ઉલ્ટાનું હાર્દિકનું કોંગ્રેસમાં વધી રહેલા કદથી સિનિયર કોંગ્રેસીઓ અને ઓફીસમાં બેસીને પોલિટીક્સ રમતા નેતાઓના પેટમાં તેલ રેડાયું છે.

સુરતના અગ્નિકાંડમાં 22 બાળકોના જાન ગયા અને હાર્દિક પટેલ સુરત આવ્યો તો સુરત પોલીસે દ્વારા હાર્દિક પટેલની અટકાયત કરી સુરતની બહાર મોકલી આપવામાં આવ્યો. હાર્દિકની સાથે એક પણ કોંગ્રેસી જોવા મળ્યો નહીં. કોઈ રજૂઆત નહીં કે હાર્દિકની તરફેણમાં બોલવા માટે સુરત કોંગ્રેસનો કોઈ નેતા પણ તૈયાર થયો નહીં. બીજું એક સુરતમાં આવડી મોટી દુર્ઘટના સર્જાઈ તો સુરત કોંગ્રેસ દ્વારા જાહેરામાં શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો નહીં. જો હાર્દિક સાથે પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓનો રવૈયો આવી જ રીતે આપખુદશાહીવાળો રહેશે તો હાર્દિક પણ કોંગ્રેસમાં લાંબાગાળા સુધી રહેશે કે કેમ તે એક શંકા બની રહેશે.

હાલ તો ભાજપની વિરોધમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન કરી હીરો બનેલા ત્રિદેવ ખંડિત થયા છે અને સીધો ફાયદો ભાજપને મળી રહ્યો છે અને કોંગ્રેસને નુકશાન પર નુકશાન થઈ રહ્યું છે તો પણ ગુજરાત કોંગ્રેસના હું બાવાને મંગળદાસ જેવા નેતાઓની ટોળકીની આંખ ઉઘડી રહી હોય એમ જણાતું નથી.