મોટા મગરમચ્છોને બચાવી લેવાના કારસ્તાનો, અમદાવાદની હોસ્પિટલ, લેન્ડ માર્કથી લઈ તક્ષશિલા સુધી

22 ભૂલકાઓને ભરખી જનારી સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સની આગની તપાસ ચાલી રહી છે. દિવા જેવી સ્પષ્ટ વાત એ છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનરો સામે આંગળી ચિંધવામાં આવી રહી છે. એમકે દાસ, મિલિંદ તોરવણે અને હાલના કમિશનર થેન્નારસન સુધી રેલો પહોંચ્યો છે પણ આ તમામની સામે તપાસ કરવા સુદ્વાની તમા સરકારે બતાવી નથી. એવું કહેવાય છે કે સસ્પેન્શન ઈઝ નોટ પનીશમેન્ટ. સેકન્ડ કેડરના અધિકારીઓ સામે કાર્યવાહી કરીને ન્યાય આપવામાં આવ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે પણ આ અધુરો ન્યાય છે. મોટા મગરમચ્છોની સામે કાર્યવાહી કરવામાં ફરી એક વાર ચૂક કરવામાં આવી રહી છે.

યાદ અપાવી દઈએ કે અમદાવાદના પરિમલ ગાર્ડન નજીકની હોસ્પિટલના કોમ્પલેક્સના ધાબા પર ધમધમતી કેન્ટીનમાં આગ લાગી હતી. આખાય ગુજરાતના મોટાભાગના મોલમાં ધાબા કે ટોપ ફ્લોર આવા પ્રકારની ખાણી પીણીની કેન્ટીનો ધમધમી રહી છે. ટોપ ફ્લોર પર મોટા મોટા ડોમ ઉભા કરીને માત્ર અને માત્ર રૂપિયા ઉસેટી લેવાની માનસિકતા રાખતા રિઅલ એસ્ટેટના માફિયાઓ હવે નિરંકુશ બની ગયા છે. બેકાબૂ બનેલા રિઅલ એસ્ટેટના માફિયાઓ જ્યારે બિલ્ડરનું રૂપ ધારણ કરે છે ત્યારે નાની સરખી જગ્યામાંથી પણ રૂપિયા ઉસેટી લેવાના કિમિયા અપનાવે છે અને ભ્રષ્ટ તંત્ર દ્વાર આના તરફ સીધી રીતના ઢાંકપિછોડા કે આંખ મિચામણા જ કરવામાં આવે છે.

2014ના એપ્રિલ મહિનામાં સુરતના કડોદરા રોડ પર આવેલા દસ માળના  લક્ઝૂરિયસ લેન્ડ માર્કમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 22 કરતાં પણ વધુ લોકો દાઝી ગયા હતા. તે વખતે પણ કેટલાક લોકો પાંચમા અને ચોથા માળેથી કૂદી પડ્યા હતા અને તેમાં ગોડાદરાના રામેશ્વર પ્રસાદનું મોત થયું હતું. લેન્ડ માર્ક ટેક્સટાઈલ માર્કેટ છે અને તેમાં મોટાભાગે કાપડની દુકાનો આવેલી છે. આ ઘટનામાં બિલ્ડર સામે કાર્યવાહીના નામે માત્ર ફિફાં જ ખાંડવામાં આવ્યા હતા. લેન્ડ માર્કની ઘટના બન્યા બાદ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. પોલીસ ફરીયાદ થઈ પણ રિઅલ એસ્ટેટના મગરમચ્છોને પાછલા બારણેથી બચાવવાના અનેક ખેલ થયા હતા.

રિઅલ એસ્ટેટનો ધંધો ભાજપના રાજમાં ફૂલ્યો ફાલ્યો છે અને દે ઠોક બાંધકામો કરવામાં આવી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિભાગના ગામોની રમણિયતા ખલાસ કરી ભવ્ય ટાવરો ચણાઈ રહ્યા છે. એક જમાનામાં માત્ર એક બેગ લઈને આવેલા લોકો નોટોની બેગોમાં મહાલતા થઈ ગયા છે. નેતાઓના સીધા આશિર્વાદ છે અને સરકાર આપણી છે કોણ શું કરી લેવાના મદમાં છકી ગયેલા આવા માફિયા તત્વોની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવશે ત્યાં સુધી લોકોના જીવ તાળવે જ ચોંટેલા રહેશે. સાથો સાથ નક્કર અ સક્ષમ નીતિ થકી જ માફિયાઓના ફાલને કાબૂમાં કરી શકાય એમ છે પણ આ બધી વાત રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ પર આધાર રાખે છે.