અગ્રસચિવ મુકેશ પુરીએ કહ્યું કે આ કારણોસર ન બચી શકી 22 જિંદગી

સુરતના સરથાણામાં ટ્યુશન ક્લાસીસમાં થયેલા અગ્નિકાંડને લઈને સરકારને રિપોર્ટ સોપવામાં આવ્યો છે. સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ચીફ સેક્રેટરી જેએન સિંહ ઉપરાંત શહેરી વિભાગના અગ્રસચિવ મુકેશ પુરી સહિતના અધિકારીઓએ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં સુરતના અગ્નિકાંડ જેવી ઘટના ફરી ના સર્જાય તે માટે કેવા પગલાં ભરવા તે મુદે લાંબી ચર્ચા કરાઇ હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અગ્રસચિવ મુકેશ પુરીએ કહ્યું કે આગ લાગવાની ઘટનામાં 22નાં વિદ્યાર્થીઓના મોત થયાં છે. તો એક શિક્ષિકાનું પણ મોત થયું છે. અને 15 લોકો સારવાર હેઠળ છે. ચોથા માળે ડોમ સ્ટ્રકચર નીચે ચાલતા આર્ટ ક્લાસીસમાં જાનમાલને નુકસાન થયું છે. ડોમ સ્ટ્રક્ચરની હાઈટ માત્ર સાત ફૂટની જ હતી, જે ઘણી ઓછી કહેવાય. ક્લાસીસમાં બેઠક ખુરશીઓને બદલે ટાયર હતા. જેને કારણે વધુ ધુમાડો થયો હતો. તો ચોથા માળે જવા લાકડાની એક જ સીડી હતી. પાટીયા મુકી સીડી બનાવાઈ હતી અને બીજી સીડી બંધ કરી દેવાઈ હતી. ડોમ સ્ટ્રકટરમાં વેન્ટિલેશનની પણ કોઈ વ્યવસ્થા ન હતી. તેથી આકસ્મિક સંજોગોમાં બહાર જવાની બીજી કોઈ સુવિધા ન હતી. જેને કારણે જાનહાની વધુ થઈ હતી. જે ગુનાહિત કૃત્ય છે.

બિલ્ડિંગ ત્રણેય બાજુથી બંધ હતું અને ચોથા માળ સુધી પહોંચે તેવી ફાયર સિસ્ટમ ન હતી. તેથી આગ ઓલાવવામાં વાર લાગી હતી. આ ઘટનામાં ક્લાસીસ સંચાલક અને બિલ્ડિંગ માલિકની પણ ધરપકડ કરાઈ છે. અને તેમની તપાસ કરવામાં આપી રહી છે. ઈમ્પેક્ટ ફી વખતે પૂરતી તપાસ કરાઈ ન હતી. કયા આધારે આ ઈમારતને ઈમ્પેક્ટ હેઠળ કાયદેસર કરાયું તેની તપાસ કરવામાં આવી રહી છે. અગ્ર સચિવ મુકેશ પુરીએ એમ પણ કહ્યું કે બેદરકારી દાખવનારાને છોડાવામાં નહીં આવે. સુરતના અગ્નિકાંડ જેવી ઘટના રાજ્યમાં ફરી ન બને તે મુદ્દે બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી.

પહેલા અને બીજા માળે કોઈ દાઝ્યુ નથી. ઘટના સમયે ક્લાસીસમાં વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષક ભાર્ગવ બુટાની અને ક્રિષ્ણાબેન હતા. જેમાં ક્રિષ્ણાબેનનું અવસાન થયું. ભાર્ગવ બુટાનીનો બચાવ થયો છે. તેની ધરપકડ કરાઈ છે. અને તપાસ ચાલી રહી છે. દરેક પાસા તપાસવામાં આવ્યા છે. ટ્રાન્સફોર્મરમાં આગ કેવી રીતે લાગી તેની ઝીણવટભરી તપાસ બાકી છે. ઈમારત પાસેનું ટ્રાન્સફોર્મર 350 મીટર દૂર હતું.