15 વર્ષ પૂર્વે સુડાની હદમાં તોતીંગ તક્ષશિલા કોમ્પલેક્સ ગેરકાયદે ચણી દેવાયું તેમાં ભાજપના નેતાઓની સાંઠગાંઠ નથી?

સુરતના સરથાણા વિસ્તારમાં પળવારમાં 20-20 માસૂમ બાળકો ભડભડ કરીને આગમાં ભડથું થઈ ગયા. સવારે 20 બાળકોના માતા-પિતાને ક્યાં ખબર હતી કે આજે ટ્યુશને જનારો દિકરા અને દિકરી સાથેની અંતિમ મુલાકાત બની રહેશે. જીવતા સળગી ગયાની વેદના માતા-પિતાઓને જીવનભર ચોધાર આંસુએ રડાવતી રહેશે, પળે-પળ એક ટીસ અને અને આંતર્નાદ ચિત્કાર પોકારતો રહેશે. ન સહી શકાય તેવી વેદના મૃત્યુપર્યંતનું દર્દ આપતી રહેશે. ક્ષણાર્ધમાં કાળનો કોળીયો બની ગયેલા સંતાનોની આખરી સૂરત પર જોવા મળી નહી. હસતા રમતા ટ્યુશને ગયેલા બાળકો ઘરે પરત ફર્યા પણ રાખના ઢેર રૂપે. ખૂબ જ અરેરાટીપૂર્ણ અને કાળજા કંપાવનારી ઘટના માનસપટલ પરથી ખસવાનું નામ લેતી નથી.

વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે ફાયર ઓફીસર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે તે વખતે ફરજમાં બેદરકારી દાખવનારા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ઈજનેર પરમારને સસ્પેન્ડ કરાયા છે. કોચીંગ કલાસીસના સંચાલકો અને બે બિલ્ડરને પણ ધરપકડ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર થેન્નારસનના સમયગાળામાં બિલ્ડીંગ બંધાઈ ન હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ રહી હોવાના નિર્દેશ મળી રહ્યા નથી.

સુરત મહાનગર પાલિકામાં બિલ્ડરોનું સેટીંગ ગજબનું હોય છે અને તેમાંય વળી ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડર કે રિઅલ એસ્ટેટવાળાની ફાઈલ હોય તો અધિકારીએ આંખો બંધ કરી, જીભડીને તાળા લગાડી પાસ કરી દેવાનો વણલખાયેલો નિયમ છે. સુરતના સરથાણાના તક્ષશિલા કોમ્પલેક્સના નિર્માણમાં સત્તા સ્થાને બેસેલા ભાજપના નેતાઓના ઈશારે આખીય બિલ્ડીંગ ચણી દેવામાં આવી હતી. અધિકારીઓની બેદરકારી છે અથવા તો તેમનામાં સત્તાધીશો સામે બોલવાની કે પડવાની હિંમત નથી.

આખું ગુજરાત જાણે છે કે સુરતના વરાછા વિસ્તારમાં સીધી રીતે ભાજપનો દબદબો છે અને તક્ષશિલાનું બાંધકામ થયું ત્યારે સરથાણા વિસ્તાર સુડાની હદમાં આવતું હતું. સરથાણા સુરત મહાનગરપાલિકાની હદમાં દસેક વર્ષ પહેલાં સામવિષ્ટ થયો ત્યારે પણ સૂડા કે કોર્પોરેશને તક્ષશિલા જેવા સંપર્ણ નિયમ વિરુદ્વ બાંધકામ અંગે કોઈ કાર્યવાહી કરી નહીં તે વાત ગળે ઉતરે એમ નથી.

બીજી મહત્વની વાત છે કે સુડાના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ પાછલા પંદર વર્ષથી સુરત મહાનગર પાલિકાના કમિશનર જ ચેરમેન તરીકે કાર્યરત રહ્યા છે. થેન્નારસનના સમયમાં બિલ્ડીંગ બંધાયું નથી અને અગાઉ બંધાયું હતું એમ કહીને ઉચ્ચ અધિકારીઓ છટકી શકે એમ નથી. ખોટી રીતે જરા અમથો ઓટલો ચણાતો હોય ત્યાં પાલિકાના અધિકારીઓ અને આરટીઆ એક્વિટવિસ્ટો પહોંચી જતા હોય છે ત્યારે તોતીંગ રીતે ચણી દેવાયેલા તક્ષશિલા તરફ કોઈનું ધ્યાન ગયું જ ન હતું એ વાત શંકાપ્રેરક બની રહે છે. જમીન ખરીદીને પંદર વર્ષ પહેલા રાતોરાત ચણી દેવાયેલા કોમ્પલેક્સમાં ભાજપના નેતાઓના આશિર્વાદ આ બધું શક્ય ન હોવાનું લોકો કહી રહ્યા છે ત્યારે આની પણ તપાસ કરવામાં આવવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ વાત અધિકારી વર્ગની છે પણ તોતીંગ રીતે સંપૂર્ણપણે ગેરકાયદે ચણાયેલા આ કોમ્પલેક્સમાં ભાજપના નેતાઓના આશિર્વાદ ન હોય તે બાબત સુરતીઓના ગળે ઉતરી રહી નથી. પાલિકામાં ઈમ્પેક્ટ ફી મંજુર કરવા માટે પણ ભલામણ કરવામાં આવી હતી અને તે ફાઈલની શોધ હવે કરવામાં આવી રહી છે પણ સુડાના અધિકારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવો પ્રશ્ન થઈ રહ્યો છે.