20-20 જિદંગી હોમાયા બાદ મ્યુનિ. કમિશનર થેન્નારાસનની ઉંઘ ઉડી, અચોક્કસ મુદ્દત માટે સુરતના તમામ કોચીંગ ક્લાસીસ બંધ કર્યા

સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં લાગેલી મહાભયાનક આગની લપેટમાં નાના નાના બાળકો સહિત 20 જણા હોમાઈ ગયા બાદ ઘોર નિંદ્રામાં પોઢેલું સુરત મહાનગર પાલિકાનું તંત્ર ફરી જાગ્યું છે. નિષ્ફળ મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસન અચાનક જાગ્યા અને તેમણે શહેરના તમામ કોચીંગ ક્લાસીસ બંધ રાખવાનો આદેશ કર્યો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે.

સુરતમાં સરથાણાની આ ત્રીજી ઘટના છે. બેએક વર્ષ પહેલા સુરતના નાનપુરામાં પાનવાલા કોચીંગ ક્લાસીસમાં આગ લાગી હતી પણ સદ્દનસીબે આ ક્લાસીસ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો હોવાથી જાનમાલનું નુકશાન થયું ન હતું.

ત્યાર બાદ ચારેક મહિના પહેલાં સુરતનાં પોશ એરિયા તરીકે ઓળખાતા વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં આગ લાગી હતી. આ આગની ઘટના બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષિકા આગના હવાલે થઈ ગયા હતા. ભારે અરેરાટી અને સમગ્ર સુરતમાં માતમનો માહોલ સર્જાયો હતો. સુરત મહાનગર પાલિકાએ કોચીંગ ક્લાસીસની સામે કાર્યવાહી કરી પણ બધી જ કાર્યવાહી કાગળ પુરતી મર્યાદિત રહી ગઈ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

આજે જ્યારે ફરી એક વાર મહાભયાનક આગ ફાટી નીકળી અને જોતજોતાંમાં 20 જીંદગી આગમાં હોમાઈ ગઈ અને અન્ય કેટલાક અત્યંત કટોકટ હાલતમાં હોસ્પિટલના બિછાને છે ત્યારે સુરત મહાનગર પાલિકાના નિષ્ફળ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારાસન જાગ્યા છે અને તેમણે ફરમાન જારી કર્યું છે કે જ્યાં સુધી ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય ત્યાં સુધી સુરતમાં તમામ કોચીંગ ક્લાસીસ બંધ રાખવામાં આવશે.

વેસુ આગમ આર્કેટમાં 2 અને સરથાણાના તક્ષશિલા કોમ્પલેક્સમાં 20 એમ 22-22 જિંદગી હોમાયા બાદ જાગેલા મ્યુનિસિપલ કમિશનરે પહેલાં આવી કાર્યવાહી કરી હોત તો આજે તમામ જિદંગીઓ હસતી રમતી હોત. પણ ગુજરાત સરકારના માનીતા અને યસ મેન કમિશનરની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, બે દિવસ પહેલાં નોટીસ આપીને સંતોષ માનનારા ફાયર વિભાગના અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે નહી અને જાડા નરને શોધી ફરી કાર્યવાહી કરી હોવાનો તમાશો કરવામાં આવશે તેવી શંકાને આ વખતે સંવેદનશીલ મુખ્યમંત્રી અસરકારક રીતે દુર હડસેલીને બતાવે તે જરૂરી બન્યું છે.