સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં આગ, 19ના મોત, CMએ આપ્યા તપાસના આદેશ, 4 લાખની સહાય

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પલેક્સમાં ચોથા માળે ચાલતા અલોહા ટ્યુશન ક્લાસીસમાં આગ ભભૂકી ઉઠતા અત્યાર સુધી ટીચર સહિત 19 બાળકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આગ ફાટી નીકળતા જાન બચાવવા માટે બાળકો કૂદી પડ્યા હતા અને પોતાનો બચાવ કરવાની કોશીશ કરી હતી. બાળકો કૂદી પડતા 19 બાળકો મોતને ભેટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગમાં બળી ગયેલા મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ચોથા માળે હજુ પણ મૃતદેહો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કીટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જાણકારી પ્રમાણે ટ્યુશન ક્લાસીસમાં 40 બાળકો હાજર હતા. ઘટનામાં દાઝી ગયેલા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે કે ક્લાસીસના રૂમમાં વધુ બાળકો તો ફસાયા નથી. જે બાળકો જાન બચાવવા માટે લપાયા હતા તેમને રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આગ લાગવાના સ્પષ્ટ કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી રહી નથી.

શરૂઆતમાં આગ તક્ષશિલાના આગળના ભાગમાં લાગી હતી અને ત્યાર બાદ આખાય કોમ્પલેક્સમાં અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. બાજા માળે હાજર બાળકો આગથી બચવા માટે કૂદી પડ્યા હતા.માહિતી મુજબ હજુ પણ કોમ્પલેક્સની આગના કાટમાળ હેઠળ બાળકોના મૃતદેહો હોવાની આશંકા છે.

અત્રે નોંધનીય છે કે બે દિવસ પહેલાં જ સમગ્ર કોમ્પલેક્સમાં ફાયર સેફટીના સાધનોને લઈ સુરત મહાનગપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી પરંતુ કોમ્પલેક્સના માથાભારે ઓર્ગેનાઈઝરોએ કાયદાની ઐસી તૈસી કરી હોવાનું જણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની ઘટના અંગે ટવિટ કરી દિલસોજી પાઠવી છે અને મતૃકોને શ્રધ્ધાંજલિ અને તેમના પરિવારજનોને સાંત્વના આપી છે.

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂરતમાં સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે. 

 મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. 

 મુખ્યમંત્રીએ આગની દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.