સુરતનાં ગોપીપુરા વિસ્તારની ઘટના: વેપારીની આંખમાં સ્પ્રે છાંટી અંદાજિત 40 લાખના હીરા લૂંટી લેવાયા

સુરતના ગોપીપુરા વિસ્તારમાં સત્ય નારાયણ મંદિર પાસે હીરના વેપારીને લૂંટી લેવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. પોલીસે ફરીયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આજે મોડી સાંજે ગોપીપુરા વિસ્તારમાં આવેલી ટીએનટી સાર્વજનિક સ્કૂલ પાસે સત્ય નારાયણ મંદિર આવેલું છે. આ સ્થળે હીરના વેપારી ડાયમંડની ડીલીવરી કરવા આવ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા યુવકોએ વેપારીને આંતરી લીધો હતો અને આંખમાં સ્પ્રે છાંટીને અંદાજિત 40 લાખના હીરાની પડીકીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘટનાની ચોકસાઈ કર્યા બાદ પોલીસ ફરીયાદ નોંધવાની કામગીરી શરૂ કરી હતી.