રાફેલ ડીલ: અનિલ અંબાણી કોંગ્રેસ સહિત તમામ વિરુદ્નનો માનહાનીનો કેસ પરત ખેંચશે

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે કોંગ્રેસની માલિકી ધરાવતા અખબાર નેશનલ હેરાલ્ડ સહિત અનેક કોંગ્રેસી નેતાઓ અને વિદેશી મીડિયા વિરુદ્વ દાખલ કરેલા બદનક્ષીના કેસના પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. રાફેલ મામલે ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશનની સાથે પોતાન ઓફસેટ એગ્રીમેન્ટને લઈ લખાયેલા રિપોર્ટ સામે કોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી હતી. હવે રિલાયન્સ ગ્રુપનું કહેવું છે કે હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે ડેફેમેશન કેસ પાછો ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ કહ્યું કે અમને લાગે છે કે કેટલાક ખાસ લોકો અને કંપનીઓએ રિલાયન્સ અને દસ્લોટ એવિએશન વચ્ચે થયેલા એગ્રીમેન્ટને લઈ જે સ્ટેટમેન્ટ આપ્યા હતા તે લોકસભા ચૂંટણીના અનુસંધાને રાજકીય હિત અંકે કરવા માટે કરાયા હતા. જોકે, હાલ રાફેલ અંગે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે રિલાયન્સે માનહાનીનો કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના સિવિલ જજ પીજે તમાકુવાલાની કોર્ટમાં માનહાનીના કેસની સુનાવણી કરવામાં આવી રહી હતી. નેશનલ હેરાલ્ડના વકીલ પીએસ ચાંપાનેરી તથા બચાવ પક્ષોએ કહ્યું હતું કે રિલાયન્સે ગ્રુપે અમને જાણકારી આપી છે કે માનહાનીનો કેસ પરત ખેંચવામાં આવી રહ્યો છે. ઉનાળા વેકેશન બાદ કેસ પરત ખેંચવા માટેની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવશે.