હિન્દુ મહાસભા દ્વારા સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા સંજય
નગરના પંચમુખી હનુમાન મંદિરમાં આઠથી દસ જેટલા લોકોએ મહાત્મા ગાંધીના હત્યારા
નાથુરામ ગોડસેની જન્મ જયંતિની ઉજવણી કરી હતી અને કેંડલ સળગાવી શ્રધ્ધાંજિલનો કાર્યક્રમ
આપ્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં વીડિયો વાયરલ થયો હતો.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તથા સુરત કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સુરત કોંગ્રેસે પોલીસ કમિશનરને ગાંધીજીના હત્યારાના સમર્થકોને પકડી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા તાબડતોડ પ્રોગ્રામ સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્વ તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેસ પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા કરવામાં આવતા લીંબાયત પોલીસે તુરંત કાર્યવાહી કરી હતી. અને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા બદલા લીંબાયત પોલીસે ફરીયાદ દાખલ કરી ઈપી કલમ 153-એ(1)(બી), 153-એ(2) અને કલમ 34 હેઠળ ગુનો નોંધ્યો હતો અને પ્રોગ્રામ સાથે સંકળાયેલા હિન્દુ મહાસભાના હિરેન મશરૂ, વાલા ભરવાડ, વિરલ માલવી, હિતેશ સોનાર, યોગેશ પટેલ અને મનીષ કલાલની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું છે કે મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે અને તેઓના પ્રત્યે માન અને લાગણી ધરાવે છે. તેમના હત્યારાઓને ખોટી રીતે માન આપી અગર કોઈ વ્યક્તિ લોકેને ઉશ્કેરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરવા પ્રયત્ન કરશે તો તેમના વિરુદ્વ કાયદા મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે ઉશ્કેરાટમાં નહીં આને અને શાંતિ જાળવી રાખે, પોલીસ કાયદા મુજબ કાર્યવાહી કરી રહી છે અને કાયદાની મદદ લેવા જણાવ્યું છે.