કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલનું એક્સિડન્ટમાં કરુણ મોત, દિવ્યાંગોને ટૂર પર લઈ ગયા હતા

મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

રાજકોટના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલ તથા તેના નાના ભાઈ રવિ સહિત પરિવારજનો  પશ્ચિમ બંગાળમાં ફરવા ગયા હતા. જ્યાં કલકત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતા કોલકાતાથી વોલ્વો બસમાં લલિતભાઈના પુત્ર વિશાલ સહિત બંને દંપતિ બહેરામપુર તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક અને વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈના પુત્ર વિશાલનું મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો. આ બનાવની જાણ થતા જ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય અને પોરબંદર બેઠકના લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા તાબડતોબ મૃતદેહને રાજકોટ લાવવા માટે વ્યવસ્થા કરી રહ્યા છે.

પરેશભાઈ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, લલિતભાઈ કગથરા ઉપર અચાનક દુઃખદ ઘટના આવી પડી છે. બહેરામપુરથી પરત ફરતી વખતે દુઃખદ દુર્ઘટના સર્જાતા તેમા લલિતભાઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે, ત્યારે તેમના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરીને રાજકોટ તેમના નિવાસ સ્થાને લાવવા માટેની વ્યવસ્થા કરવા માટે તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યુ છે.

લલિતભાઈ વસોયાએ જણાવ્યુ હતુ કે, પુત્રના નિધન અંગે હજુ સુધી લલિતભાઈ કગથરાને જાણ કરવામાં આવી નથી. પરિવાર પર આવી પડેલ દુઃખદ ઘટનામાં કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો તેમની સાથે છે અને ઘેરોશોક વ્યકત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લલિતભાઈ કગથરા રાજકોટ ખાતે પારસ સોસાયટી, નિર્મલા સ્કૂલ રોડ, ‘કરમ’ 34-બી ખાતે રહે છે.

કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પશ્ચિમ બંગાળમાં થયેલા માર્ગ અકસ્માતની વિગત પણ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના ભત્રીજા જયેશભાઈ કગથરા પાસેથી મેળવી હતી અને ટેલીફોનીક વાતચીત બાદ પશ્ચિમ બંગાળના સ્થાનિક પ્રસાશન સાથે સંપર્કમાં રહીને વિશાલ કગથરાના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ કરી પરત વતન રાજકોટમાં લાવવા માટે પણ વાતચીત કરી છે અને પશ્ચિમ બંગાળ તથા ગુજરાતના પ્રસાશન તંત્ર સાથે સતત સંપર્કમાં છે. બન્ને પુત્રો તેમના ધર્મપત્નિ સાથે દિવ્યાંગ બાળકોને લઈને પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા રાજકોટઃ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલ તથા રવિ તેમના પત્ની સાથે દિવ્યાંગ બાળકોને લઈને પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયા હતા. જ્યાં બહેરામપુરા પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરી બસનો એક બાજુનો ભાગ આખેઆખો ચિરાઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.