આવતીકાલે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે. કુલ 59 સીટ પર મતદાન થશે અને આ સાથે જ 2019ની ચૂંટણીનું ભાવિ સીલ થઈ જશે અને 23મી તારીખે મતગણતરી સાથે લોકસભા ચૂંટણીના વિજેતાની જાહેરાત કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણીનું કાલે મતદાન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પ્રિ-એક્ઝિટ પોલ પણ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે. પ્રિ-એક્ઝિટ પોલમાં ભાજપ-એનડીએની સીધી ફાઈટ આમ તો કોંગ્રેસ સાથે રહી છે પણ થર્ડ ફ્રન્ટે ભાજપના ગણિતને ઉપરતળે કર્યું છે. કેટલીક ચેનલોના એક્ઝિટ પોલ લીક થવાની પણ વાતો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ બની છે અને તેમાં ખાસ કરીને ભાજપ તથા એનડીએની સરકાર બની રહી હોવાનું આકલન કરવામાં આવ્યું છે તો બીજી તરફ સટ્ટા બજારે પણ ભાજપ-એનડીએની સરકાર બની રહી હોવાના વર્તારા આપ્યા છે.
હવે એક્ઝિટ પોલ લીક થઈ રહ્યા છે ત્યારે કેન્દ્રમાં ભાજપ અને એનડીએ તરફ એક્ઝિટ પોલનો ઝૂકાવ વિપક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. હજુ પણ કેટલાક લોકો માની રહ્યા છે ઈવીએમમાં ગરબડ થઈ શકવાની આશંકા છે પણ આ વખતે જોઈએ તો કેટલાક મોટા રાજ્યોમાં કોંગ્રેસ અન્ય અન્ય પક્ષોની સરકાર છે ત્યારે ઈવીએમમાં ગરબડ થવાની ફરીયાદ કે બૂમરાણ એ તો ખરેખર પોતાની ચામડી બચાવવાના હવાતીયા હોવાનું જ કહી શકાય એમ છે.
રાજકીય નેતાઓ કહી રહ્યા છે કે ભાજપને મોટું નુકશાન થવાનું છે. છતાં પણ ભાજપ સરકાર બનાવવા સધીનો આંકડો હાંસલ કરી લેશે. હવે મોદી રિટર્ન છે કે પછી ત્રિશંકુ સંસદ છે એ અંગે એક્ઝિટ પોલ શું કહેશે તેના પર ચર્ચા ખાસ્સી થવાની છે. જેની ફેવરમાં હશે તે એક્ઝિટ પોલને આવકારશે અને જેની વિરુદ્વમાં હશે તે એક્ઝિટ પોલને વખોડશે. આ એક જૂનો શિરસ્તો બની ગયો છે.
પણ અહીંયા યાદ રાખવા જેવું છે કે 2014ની ચૂંટણીમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. કોઈએ પણ ભાજપની બમ્પર મેજોરિટીની આગાહી કરી નથી. યુપીમાં ભાજપ સપાટો બોલાવશે એવી પણ આગાહી કરી નથી. આ ઉપરાંત ગયા વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની બહુમતિ આવશે તેવી આગાહી એક્ઝિટ પોલ કરી શક્યા ન હતા અને જે ગણતરી એક્ઝિટ પોલમાં હતી તે સદંતર ખોટી પુરવાર થઈ હતી.
કેટલીક ચેનલો પર આક્ષેપ છે કે તે સંપૂર્ણપણે ભાજપની ફેવર કરી રહી છે અને ભાજપની વાતોને અતિરેક સાથે બતાવી રહી છે. મૂળ મુદ્દાને દરકિનાર કરી માત્ર વાહ-વાહી કરવામાં ચેનલોએ તમામ મર્યાદાઓ ભાંગીને ભૂક્કો કરી નાંખી છે. આવા સંજોગોમાં એક્ઝિટ પોલની યથાર્થતા અને વિશ્વસનીયતાની પણ પરીક્ષા થવાની છે.