પાણીનો કારમો કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે વીડિયો શેર કરીને આદિવાસી સહિત અન્ય તમામ જાતિની મહિલાઓને પાણી માટે કેવા પ્રકારના વલખા મારવા પીડી રહ્યા છે તેની આપવીતી વર્ણવી છે.
અનંત પટેલ વીડિયોમાં કહે છે કે નવસાર જિલ્લાના વાંસદા તાલુકાના કણદા ગામના લીંબાળપાડામાં મહિલાઓને પાણી માટે જંગલો અને પર્વતોમાં ભટકવું પડી રહ્યું છે. ડૂંગરમાંથી નીકળતા પાણી અને તેની નેરી(નાની નદી)માંથી પાણી ભરવું પડે છે. આ પાણી પીવા લાયક હોતું નથી પરંતુ સ્થિતિની દારુણતા એ છે કે મહિલાઓને આવા પાણી થકી ગુજરાન ચલાવવું પડી રહ્યું છે. દુષિત પાણી પર નિર્ભર રહેવાની લોકો માટે મજબૂરી બની ગઈ છે.
સ્પષ્ટ દેખાય છે આદિવાસી મહિલાઓ નદીમાંથી નીકળતી નેરીમાંથી દોહ્યલું પાણી ભરી રહી છે. મહિલાઓની લાંબી લાઈન વીડિયોમાં જોઈ શકાય છે.
ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે ગુજરાત મોડેલના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે પરંતુ ગુજરાત મોડેલની હકીકત એ છે કે ગુજરાતમાં પીવાના પાણીની ભારે હાલાકી અને તકલીફ છે. મહિલાઓ પોતાનું ઘરનું કામકાજ છોડ રોજ સવાર સાંજ માત્ર પાણી માટે દુર-દુર સુધી ભટકી રહી છે. મહિલાઓનું રોજિંદું કામકામજ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘર ઉપરાંત પશુધન માટે પાણી એકત્ર કરવામાં જ દિવસનો મોટાભાગનો સમય વેડફાઈ જઈ રહ્યો છે. સરકારની ઉંઘ ઉડી રહી નથી. સરકાર અને વહીવટી તંત્રે આદિવાસી મહિલાઓને ઘર બેઠાં પાણી મળે તે માટે વ્યવસ્થા કરવાની માંગ અનંત પટેલે કરી છે.
મહત્વની વાત એ છે કે નવસારીમાં પાણીનું લેવલ સાવ નીચે ઉતરી ગયું છે. મહિલાઓ કૂવા ખોદીને તેમાં સીડીથી નીચે ઉતરી પાણી ભરી રહી છે ઘર વપરાશ અને પીવાના પાણીની કારમી તંગીથી સમગ્ર જિલ્લો તરસી રહ્યો છે. ઉનાળાના પ્રકોપમાં મહિલાઓ સહિત લોકો આવા પ્રકારનું દુષિત પાણી પીવા મજબૂર બની ગયા છે. રૂપાણી સરકાર સબ સલામતની આલબેલ પોકારી રહી છે પણ હકીકત તદ્દન બિહામણી બનતી જઈ રહી છે.