ગુજરાત રાજ્યમાં પાણીની તંગીથી ઉભી થયેલી વિકટ સમસ્યા મુદ્દે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી( NCP) ના દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ ઉપર સરકાર દ્વારા કાર્યવાહી થાય તે માટે શંકરસિંહ વાઘેલા, જયંત પટેલ બોસ્કી, બબલદાસ પટેલ, રેશ્મા પટેલ, નિકુલસિંહ તોમર, સી.આર પટેલ સહિતના આગેવાનો અને NCP ના કાર્યકરો દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીને રાજ ભવન ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે આ અહેવાલ સંદર્ભે ગુજરાતમાં સત્વરે પીવાના પાણીની વ્યવસ્થાનું સુચારું આયોજન કરાય અને આગામી સમયમાં આગોતરા આયોજન થકી જળ સંચયની કામગીરીને વૈજ્ઞાનિક ઢબે કરી ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા તંત્ર ગોઠવાય તે જોવા રાજ્યપાલ મારફત સરકારને તાકીદ કરવામાં આવી હતી.
NCPએ ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે કે દરેક તાલુકા, કક્ષાએ એક “પાણી તકેદારી સમિતિ” બનાવવી જોઈએ તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકીય આગેવાનો, પાણીના મુદ્દે કાર્યરત NGO ના લોકોને સામેલ કરી TDO કે મામલતદારની અધ્યક્ષતામાં પાણીની સમસ્યા મુદ્દે થતી કાર્યવાહીનું આયોજન કરે તેમજ તેનું અમલીકરણ ગોઠવવામાં આવે.
રાજ્યપાલ સાથેની મુલાકાત અંગે NCPના મહિલા નેતા રેશ્મા પટેલે જણાવ્યું કે ગુજરાત મોડલ અને વાયબ્રન્ટ ગુજરાતની વાતો કરતી ભાજપનાં શાસનમાં “જળ એ જ જીવન” ની પરિભાષાને વેરવિખેર કરી ગુજરાતની પ્રજા,પશુ,પક્ષીને તરસ્યા રાખી પોતાના શાસન વ્યવસ્થાની નિષ્ફળતા સાબિત કરે છે. પાયાની જરૂરિયાતને છીન-ભિન્ન કરી માત્ર માર્કેટીંગથી લોકોને ભ્રમિત કરવાના કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા થાય છે.હું જનતાને વિનંતી કરુ છું કે માર્કેટિંગથી પ્રભાવિત થઇને પ્રોડક્ટ પસંદ કરી શકાય પણ સરકાર ક્યારેય પસંદ ન કરી શકાય.